પૃષ્ઠ:Kankavati.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દીકરી કહે, "હા. પણ માડી, ઘઉંલો તો કાંઈ ભૂંડો ને ! ઝાલ્યો ઝલાય નહિ ! કાપ્યો કપાય નહિ ! અને એણે તો શું રાડ્યું પાડી છે ને ! ભાંભરડે ભાંભરડા નાખે ! માંડ માંડ કપાણો."

થડક થઈને મા તો પૂછે છે કે "તે તમે ક્યો ઘઉંલો બાફ્યો ?"

"બીજો ક્યો વળી ? આપણો વાછડો."

"અરર ! વાલામૂઇયું ! તમે તો કાળો કોપ કર્યો ! હવે આપણે મોઢું શું દેખાડશું ? આ સાંજ પડ્યે તો ગા'-વાછડો પૂજવા ગામની ગોરાણિયું આવશે ! ગા' આવીને ભાંભરડા દેવા માંડશે ! આપણે એને જવાબ શો દેશું ?"

મા તો મુંઝાઈ ગઈ છે. ઘઉંલાવાળું હાંડલું લઈને ત્રણેય જણીઓ છાનીમાની ઉકરડામાં દાટી આવી છે. આવીને ખડકી વાસી દીધી છે. ત્રણેય જણીઓ સંતાઈને ઘરમાં બેસી ગઈ છે.

આજ તો આઢતી ગા' પૂજાય છે, પણ આગળ ઉપર આવતી ગા' પૂજાતી.

ગામોટીની ગા' સીમમાં ચરતી'તી ત્યાં એને સત ચડ્યું છે. માથે પૂછડું લઈ કાન પહોળા કરતી, ભાંભરડા દેતી, નાખોરાના ફરકડા બોલાવતી ગા' વાજોવાજ ગામમાં વહી આવે છે.

આવે છે ત્યાં તો સામો સાવઝ મળ્યો છે. આડો ઊભો રહીને સાવઝ કહે કે "તને ખાઈ જાઉં !"

ગા" તો બોલી છે કે "અરે ભાઈ, ગામની ત્રણસો ગોરાણિયું સવારની ભૂખી બેઠી છે. હું નહિ જાઉં તો એ ખાશે નહિ. એને ખવાડીને હું હમણાં પાછી આવું છું. પછી મને ખુશીથી ખાજે."

સાવઝે તો ગા'ને જાવા દીધી છે. વગડાને ધણેણાવતી ગા' તો દોડી આવે છે, ગામમાં આવીને એણે તો ઉકરડામાં શીંગડાં ભરાવ્યાં છે.

ભરાવે ત્યાં તો હાંડલું ફૂટ્યું છે ને સડાક દેતો વાછડો બેઠો થયો છે. પોતાની માને ચસ ! ચસ ! ધાવવા માંડ્યો છે, મા તો વાછરડાને ચાટવા મંડી છે.

અને વાછડાની ડોકમાં તો હાંડલીનો કાંઠો વળગી રહ્યો છે.

સાંજ પડી ત્યાં તો ગામ આખાની ગોરણીઓ હાથમાં પૂજાની થાળીઓ લઈ લઈને ગામોટીને ઘેર ગા' પૂજવા હલકી છે.

આવીને જુએ તો ખડકી તો વાસેલી છે. ઘરમાં તો કોઈ કરતાં કોઈ સળવળતું નથી. સમી સાંજે જાણે સોપો પડી ગયો છે.

ગોરણીઓ તો ખડકીનું બાર ભભડાવે છે કે "ગોરાણી ! એ ગોરાણી ! ઉઘાડો, આ સૌ ગોરણિયું ગા' પૂજવા આવી છે."

પણ કોઈ બોલે કે કોઈ ચાલે! ઘરમાં બેઠી બેઠી ત્રણેય જણી પારેવડી જેવી ફફડે છે. એનો તો ફડકે શ્વાસ જાય છે.

વાટ જોઈ જોઈને વળી પાછી ગોરણીઓ બોલે છે, "અરેરે ! આ ગા આવીને ઊભી છે. આ વાછડો ગા'ને ધાવી જાય છે. અને આ વાછડાની ડોકમાં આજ તો ફૂલના હાર હોય એને સાટે આ રાંડુંએ તો વાછડાને કાળા હાંડલાનો કાંઠો કાં પે'રાવ્યો છે ?"