પૃષ્ઠ:Kankavati.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખડકી બહાર તો આવી આવી વાતો થાય છે. ઘરમાં બેઠી બેઠી ત્રણેય જણીઓ કાનોકાન સાંભળે છે. સાંભળીને વિસ્મે થાય છે.

મા કહે, "દીકરી, છાનીમાની ખડકીની તરડમાંથી જોઈ આવ તો ખરી ! આ ગા'-વાછડાની શી વાતું થાય છે ?"

દીકરીએ તો તરડમાંથી ગા' - વાછડાને જીવતાં દીઠાં છે. દોડતી દોડતી ઘરમાં ગઈ છે. માને કહે કે "માડી ! ગા' ઊભી છે, ને ઘઉંલો ધાવે છે!"

"અરે માડી ! એ તો કો'ક બીજાનો વાછડો હશે. હવે ઘઉંલો કેવો !" એમ કહીને મા રોઈ પડે છે.

દીકરી માને પરાણે ખડકીએ લઈ જાય છે. જઈને જુએ ત્યાં તો સાચોસાચ ઘઉંલો સજીવન દીઠો છે.

ઝટ ખડકીનું કમાડ ઉઘાડ્યું છે. ગા' વાછડો દોડીને ફળિયામાં આવ્યાં છે. સાસુ, વહુ ને દીકરીની આંખે તો હરખનાં આંસુડાં હાલ્યાં જાય છે.

ગોરણીઓએ તો બાઈને બધી વાત પૂછી છે, બાઈએ તો બધું કહી સંભળાવ્યું છે. સૌ ગોરણીઓને પગે લાગીને બાઈ તો બોલી છે : "બાઈયું બેન્યું ! તમારાં વ્રતને બળે મારો વાછડો બેઠો થયો છે. પગ તો પૂજું તમ ગોરણિયુંના !"

ગોરણીઓએ તો ગા'-વાછડાને ચાંદલા કર્યા છે. ફૂલના હાર પહેરાવ્યા છે. ગા'ના જમણા કાનમાં કહ્યું છે,

માતાજી ! સત તમારું
ને વ્રત અમારું.

તે દીથી સૌ ગોરાણીએ ઠરાવ્યું છે કે આજથી બોળચોથને દા'ડે પાટિયામાં રાંધેલું, છરીનું સુધારેલું કે ખારણિયામાં ખાંડેલું કોઈ ખાશો મા ! ઘઉં ખાશો મા !

🌿

વળતે દી ગાય તો વગડામાં ગઈ છે. એણે તો સાવઝને વચન દીધું'તું એ પ્રમાણે એ સાવઝ પાસે પહોંચી છે. જઈને કહ્યું, "લે ભાઈ, તારે મને ખાવી હોય તો હવે ખાઈ જા."

સાવઝે તો ગા'ના ગળામાં ફૂલના હાર દેખ્યા છે, વિસ્મે થઈને પૂછ્યું છે: "અરે બાઈ, આ તારા ગળામાં ફૂલહાર શેના ?"

ગા'એ તો સાવઝને બધી વાત કીધી છે. સાંભળીને સાવઝ બોલ્યો છે કે "માતાજી ! તું તો સતવાળી કહેવા. હું તને કેમ ખાઉં !"

*

બોળચોથ મા એને ફળ્યાં એવાં સૌને ફળજો!