પૃષ્ઠ:Kankavati.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નાગ પાંચમ


[શ્રાવણ માસની અંધારી પંચમીનું આ વ્રત છે. વ્રતધારિણી તે દિવસે પાણિયારા પર નાગનું ચિત્ર આલેખીને ઘીનો દીવો પેટાવે. પાણીની ધારાવાડી દઈને પછી બાજરો, કુલેર વગેરેનું નૈવેદ્ય ધરાવે. પોતે આગલા દિવસનું રાંધેલું બાજરાનું ઠંડું અન્ન જમી એકટાણું કરે.]

ડોસો ને ડોસી હતાં. ઘરમાં સાત દીકરાનાં સાત દેરિયાં જેઠિયાં હતાં.

છ વહુવારુઓ માનેતી, ને સાતમી અણમાનેતી. પિયરમાં એને કોઈ નહોતું. સાસરિયામાં સૌ એને તો 'નપીરી' 'નપીરી' કહીને બોલાવે.

આખું ઘર રંગેચંગે ખાઈને ઊઠે એટલે વાંસેથી નાની વહુ તો હાંડલામાં જે વળગ્યું હોય તો ઊસરડી ઢસરડીને ખાઈ લે. ખાઈને એકલે હાથે એક ખડકલો ભાણાં ઊટકે.

એમ કરતાં તો સરાદના દી આવ્યા છે. ભેંસોના દૂધની રૂપાળી ખીર કરી છે.

નાની વહુને મહિના ચડતા'તા. એને બિચારીને ઘણાય ખીરના ભાવા થયા'તા. પણ એને ખીર કોણ આપે?

સૌએ ખાઈ-પી લીધું ને વાંસેલ હાંડલામાં ઊખરડા વળગ્યા રહ્યા.

ઊખરડા તો ઊખરડા ! - એમ સમજીને નાની વહુએ તો ઊખરડા ગળણામાં બાંધી, ગામ બહાર જઈને નિરાંતે ખાવાનો વિચાર કર્યો છે.

પાણીનું બેડું લઈને પોતે પાદર ગઈ છે. કૂવે તો પાણિયારીઓનો ઘેરો વળેલો છે. વહુએ તો વિચાર કર્યો છે કે બીજે બેડે આવીને કોઈ નહિ હોય ત્યારે ખાઈશ.

એ તો એક બેડું રેડી આવી છે. એક રાફડાને થડ ગળણામાં વીંટીને ઊખરડા મેલ્યા છે. મેલીને પોતે ના'વાધોવા ગઈ છે. મનમાં એમ કે ના'ઈધોઈને નિરાંતે ખાઉં.

બાઈ તો ના'વા ગઈ છે. ત્યાં તો વાંસેથી એક નાગણી નીકળી છે. નાગણીને ય દી ચડતા'તા. એને ય ઊખરડાના ભાવા થયા'તા. આવીને એ તો બધા ઊખરડા આરોગી ગઈ. આરોગીને ભોણમાં લપાઈને બેઠી.

નાગણીના મનમાં થાય છે કે "આ ઊખરડાનું ધણી આવીને મને ગાળેભેળ દેશે તો એને ફટકાવીશ."

ના'ઈધોઈને વહુ તો હરખભેર આવીને ઉતાવળે ઉતાવળે ગળણું ઉઘાડે ત્યાં તો એકે ય ઊખરડો ન મળે!

"અરે...રે ! નસીબમાં નો'તા તે ઘરે ય નો દીઠા ! ને આંઈ લાવી તો આંઈ યે નો દીઠા! હશે બાઈ, કો'ક મારા જેવી જ દુખિયારી હશે, એણે ખાધા હશે. જેણે ખાધા હોય એનું પેટ ઠરજો !"

ઝબ દેતી નાગણી તો ભોણમાંથી બહાર નીકળી. અને માનવીની વાચા કરીને બાઈને પૂછવા લાગી, "બાઈ બાઈ, તું કોણ છો ?"