પૃષ્ઠ:Kankavati.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"માતાજી, હું દુઃખણી છું. ઓધાન રહ્યું છે. ઊખરડાના ભાવા થયા'તા પણ ના'વા ગઈ ત્યાં મારા ઊખરડા કો'ક ખાઈ ગયું. હશે ! મારા જેવી કોઈક અભાગણી હશે. ભલે બાપડીએ ખાધા !"

"બેન, તારા ઊખરડા તો મેં જ ખાધા છે. તું જો ગાળભેળ બોલી હોત તો તો હું તને ફટકાવત. પણ તેં તો આશિષ દીધી ! હવે મને કહે, તારે શાં શાં દુઃખ છે ?"

"માતાજી, મારે પિયર મૈયરમાં કો...ઈ ન મળે. ઘણીય મારી અઘરણી આવે છે, પણ ખોળા ભરનારું કોઈ ન મળે !"

એમ બોલી ત્યાં તો એની આંખમાં આંસુડાં આવી ગયાં.

નાગણી કહે, "દીકરી ! ફિકર રાખીશ મા. આજથી અમને જ તારાં પિયરિયાં માનજે. જા ! આ રાફડામાં અમારાં રે'ઠાણ છે. ખોળા ભરવાના થાય ત્યારે એક કંકોતરી લખીને આ રાફડાને થડ મેલી જાજે."

નાગણી તો ધરમની મા થઈ છે.

વિસ્મે થાતી થાતી બાઈ તો ઘેર ગઈ.

🌿

ખોળો ભરવાનું મૂરત થડમાં આવ્યું છે. સાસુ બોલ્યાં છે કે "નભાઈ તે પી'રમાં કોઈ ન મળે. કોણ ભૂખરાત એનો ખોળો ભરતું'તું ?"

વહુ કહે, "બાઈજી, મને એક કંકોતરી લખી આપો ને !"

"અરે નભાઈ ! તારે પી'ર નથી, મૈયર નથી. ને કોને કંકોતરી આપવી છે ?"

"મારે છેટેનાં એક સગાં છે, એને મોકલીશ. આપો ને !"

"જો તો ! નભાઈ ગાલાવેલી જ છે ને !"

ત્યાં વળી એક પાડોશણ બોલી કે "બાઈ, આપો ને એક કાગળની કટકી ! તમારું એમાં શું જાય છે ?"

કંકોતરી લઈને બાઈ તો પાદર જાય છે. જઈને રાફડાને થડ કંકોતરી મેલી આવે છે.

ખોળો ભરવાનો દી આવ્યો છે. જેઠાણીઓ અને સાસુ તો દાઢવા મંડ્યાં છે કે હમણાં નાની વહુનાં ઘેરો એક પિયરિયાં આવશે ! પટારાં ભરીને લૂગડાં લાવશે ! ઝટ ચૂલે હાંડલાં ચડાવો ! લાપસીનાં આંધણ મેલો !

એમ કરે છે ત્યાં તો લાલ લાલ પાઘડી બાંધીને મોટા મુંગલા પઠાણ જેવા મહેમાન હાલ્યા આવે છે. હારે કોઈ ગરાસણી હોય એવી બાઈ છે. નાની વહુએ તરત નાગણી માતાને ઓળખી કાઢી છે. સાસરિયાં તો હોઠે આંગળી મેલીને વાતો કરવા મંડ્યાં :

"અહાહા ! ક્યાંથી આ નપીરીનું પિયર જાગ્યું ? આ નાગરડા ક્યાંથી આવ્યા ?"

"ભલે આવ્યાં ! ભલે આવ્યાં ! વહુનાં પિયરિયાં ભલે આવ્યાં ! એમ થઈ રહ્યું છે. લાપસીની તો દેગો ચડી ગઈ છે."