પૃષ્ઠ:Kankavati.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્યાં તો સામા ઓરડેથી નાગણી માએ બાઈને બોલાવીને કાનમાં દીધું કે "દીકરી, રાંધ્યાચીંધ્યાની ના પાડજે હો કે ! કઢેલાં દૂધનાં કૂંડાં આ ઓરડામાં મેલી દેજે. ઓરડો વાસીને અમે પી લેશું. અમે નાગલોક છીએ એટલે અનાજ અમથી ખવાય નહિ."

વહુ તો સાસુ પાસે ગઈ છે. કહ્યું છે કે, "કાંઈ રાંધશો-ચીંધશો મા. મારાં પિયરિયાં તો દૂધાહારી છે. કઢેલાં દૂધ જ પીશે."

ખાવાની વેળા થઈ છે. કઢેલાં દૂધનાં કૂંડાં બીજા ઓરડામાં મેલ્યાં છે. ઓરડો તો વાસી દીધો છે. મહેમાનોએ તો સડપ દેતા નાગનાં ખોળિયાં ધારણ કરીને કૂંડામાં મોં માંડ્યા છે. ઘડીક વારમાં તો કઢેલાં દૂધ ચસકાવી ગયાં છે.

દીકરીનો તો ખોળો ભર્યો છે. હીર-ચીર અને સોનાં-રૂપાંમાં દેવામાં કાંઈ મણા નથી રાખી. સાસરિયાં તો સડક થઈ ગયાં છે. અહોહો ! વહુને તો બહુ લાવ્યા ! બહુ લાવ્યા ! બહુ પહેરામણી લાવ્યા !

મહેમાન કહે છે કે "હવે અમને શીખ આપો. અને અમારી બેનને સુવાવડ સારુ મોકલો."

"હં...અં...ને માડી ! તેડી જાઓને ! મેંથી કાંઈ ના પડાય ! સૂઝે એમ તો ય આ તો ઝેરણાનું આણું !"

"અને કોઈને તેડવા મોકલશો મા. અમે આવીને અમારી બેનને પાછી મેલી જાશું."

વહુને તો સાસરિયાં વટોળાવવા હાલ્યાં છે. હવે પાછાં વળો ! એમ કહીને મહેમાને તો વેવાઈઓને પાછાં વાળ્યાં છે. હાલતાં હાલતાં રાફડો થડમાં આવ્યો એટલે નાગ-લોકોએ કહ્યું કે "જો બેન! તું બીશ મા. અમે અમારું અસલ રૂપ લઈએ છીએ. રાફડામાં ભોણમાં તું યે અમારી વાંસેવાંસે હાલી આવજે."

બહેને તો કહ્યું કે "સારું, ભાઈ."

સૌએ નાગનાં રૂપ લઈ લીધાં છે, સળક દઈને સૌ ભોણમાં પેસી ગયાં છે. બાઈ પણ વાંસોવાસ વહી ગઈ છે.

માલીકોર જાય ત્યાં તો ધતૂરાના ફૂલ જેવા રૂડા ઓરડા! પાતાળમાં રૂપાળી હીંડોળા ખાટ! નાગણી મા તો કિચડૂક! કિચડૂક! ખાટે હીંચકી રહ્યાં છે, ગાદીતકિયે મોટી મોટી મૂછોવાળા મણિધર નાગદેવતા બેઠા છે.

નાગદેવતા એ બાઈને દીકરી કરીને પાતાળમાં રાખી છે. બાઈ તો સોનારૂપાને હીંડોળે હીંચકે છે. માવતર તો દીકરીને અછો અછો વાનાં કરે છે.

એમાં નાગણીને છોરુનો સમો થયો છે. નાગણી માએ બાઈને કીધું કે "જો બેન, તું બીશ મા. અમે કહેવાઈએ નાગલોક. જો નાગનાં જણ્યાં જન્મે એટલાં જીવે તો તો ધરતીને માથે પગ મેલવા ન દે. એટલે અમે તો જણતાં જઈએ ને ખાતાં જઈએ. તું દીવો લઈને ઊભી રહે. જોજે હો, બીશ નહિ."