પૃષ્ઠ:Kankavati.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બેય ભાઈ માનવીના સ્વરૂપ લઈને બેનને મળ્યા છે, ભાણિયાને સોનાનાં સાંકળાં કરીને રાફડામાં ચાલ્યા ગયા છે.

નાગપાંચમ મા એને ફળ્યાં એવાં સહુને ફળજો !

[આ વ્રતકથાની પ્રાચીનતા પુરવાર કરતી 'ચતુર્વિશતિ પ્રબન્ધ' માહેની વૈરોટ્યા અલિંજર નાગવાળી કથાનો સવિસ્તર નિર્દેશ આ પુસ્તકની પ્રસ્તાવનામાં મેં કરેલ છે તે જોઈ જવા જેવો છે. - લેખક.]


શીતળા સાતમ


દેરાણી-જેઠાણી હતાં.

શ્રાવણ માસ આવ્યો છે, અંધારી છઠ આવી છે. દેરાણીએ તો આખો દી રાંધ રાંધ કર્યું છે. સાંજ પડી ત્યાં તો એ થાકીને લોથપોથ થઈ ગઈ, રાતે ને રાતે શીતળા સાતમના ચૂલા ઠારવાના છે.

લે ને, થોડીક વાર દીકરાને ધવરાવી લઉં; પછી ચૂલો ઠારી લઈશ: એમ વિચારીને દેરાણીએ તો દીકરાને ખોળામાં લીધો છે. બાઈ તો થાકીપાકી હતી એટલે એને તો ઝોલાં આવ્યાં. ધવરાવતાં ધવરાવતાં એની તો આંખ મળી ગઈ છે. ચૂલામાં તો બળતા અંગારા રહી ગયા છે.

અધરાત થઈ ત્યાં તો શીતળા માતા આવ્યાં છે. આવીને જ્યાં ચૂલામાં આળોટવા જાય ત્યાં તો માતાજી આખે ડિલે દાઝ્યાં છે.

નિસાસો નાખી ને માતાજી તો ચાલ્યાં ગયાં છે.

સવાર પડ્યું ને જ્યાં બાઈ જુએ ત્યાં તો પડખામાં છોકરો શિંગડું થઈને પડ્યો છે. માતાજીના નિસાસા લાગ્યા છે. છોકરાંનું મડદું લઈને બાઈ તો ચાલી નીકળી છે. ચાલતી ચાલતી એ તો માતાજીને ગોતે છે.

હાલતી હાલતી જાય છે. ત્યાં તો ગોંદરે ગાય મળી છે. ગાય કહે કે, "બાઈ તું ક્યાં જાય છે ?"

"જાઉં છું તો શીતળા માતાને ગોતવા. મારો તો છોકરો ભડથું થઈ ગયો છે."

"ત્યારે તો, બાઈ મારો યે સંદેશો લેતી જાઈશ ? મારું કોઈ ધણી ધોરી કાં નહિ ? આ વાછડો મારાં આંચળ કરડી જાય છે."

"સારું જ તો બાઈ !"

એમ કહીને બાઈ તો હાલી જાય છે. બાઈને તો નદી મળી છે. નદી કહે: "બાઈ, બાઈ, જરાક મારો ઓવાળ કાઢી જા ને."