પૃષ્ઠ:Kankavati.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બાઈએ તો વાંકી વળીને નદીનો ઓવાળ કાઢ્યો છે. નદીનાં પાણી તો વહેતાં થયાં છે. ત્યાંથી હાલતી હાલતી બાઈ આગળ જાય છે, ત્યાં એક કઠિયારો પીપળો કાપે છે, ભાળીને બાઈ બોલી છે : "અરે ભાઈ, આજ શીતળા માતાનું પરબ, ને તું પીપળો કાપછ ? એનાં કરતાં બાવળ કાપ ને !"

એમ કહીને બાઈએ તો કઠિયારાને પીપળેથી ઉતારી બાવળે બેસાડ્યો છે ને પોતે હાલતી થાય છે.

રસ્તામાં બાઈને તળાવડી મળી છે. બેય તળાવડીઓ સેંજળ ભરી છે. આનું પાણી આમાં જાય છે ને આનું પાણી આમાં જાય છે. સામસામાં બેયના પાણી ઠલવાય છે. પણ કોઈ પંખીડુંય એનું પાણી બોટતું નથી.

તળાવડી પૂછે છે કે "બાઈ બાઈ બેન, તું ક્યાં જાછ ?"

બાઈ કહે કે "મારો છોકરો ભડથું થઈ ગયો છે, તે હું જાઉં છું શીતળા માતાને ગોતવા."

"ત્યારે તો, બાઈ બેન, અમારો યે સંદેશો શીતળામાને પૂછતી આવીશ ? અમે તે આવાં શાં પાપ કર્યાં હશે કે અમારાં મોતી જેવાં પાણી ભર્યાં છે તો ય એમાંથી કોઈ છાપવું યે પીતું નથી ? કોઈ પંખીડુંય કાં ચાંચ બોળતું નથી ?"

"સારું જ તો બેન, પૂછતી આવીશ."

એમ કહીને બાઈ તો આગળ ચાલી છે. ચાલતાં ચાલતાં માર્ગે એક મગરમચ્છ પડ્યો છે. મગરમચ્છ તો વેળુમાં પડ્યો પડ્યો લોચે છે. એનાં જીવને તો ક્યાંય ગોઠતું નથી. બાઈને ભાળીને મગરમચ્છ બોલ્યો છે કે "બાઈ બાઈ બેન, તું ક્યાં જાછ?"

બાઈ તો કહે છે કે "બેન, હું શીતળા માને ગોતવા જાઉં છું. મારો તો છોકરો ભડથું થઈ ગયો છે."

"ત્યારે તો બાઈ, મારો યે સંદેશો પૂછતી આવજે ને ! મેં તો ઓલે ભવ એવાં શાં પાપ કર્યાં હશે કે આ વેળુમાં લોચ્યાં જ કરું છું ? મારા જીવને ક્યાંય જંપ કેમ નથી વળતો ?"

"સારું જ તો ભાઈ, પૂછતી આવીશ !"

એમ કહીને બાઈ તો આગળ હાલી છે. હાલતાં હાલતાં એને તો એક સાંઢ્ય મળી છે. સાંઢણીને ગળે તો ઘંટીનું પડ બાંધ્યું છે. બાઈને ભાળીને સાંઢણી તો પૂછે છે કે, "બાઈ બાઈ બેન, તું ક્યાં જાછ ?"

"બાઈ તો કહે છે કે, "બેન, હું શીતળા માને ગોતવા જાઉં છું. મારો તો છોકરો ભડથું થઈ ગયો છે."

"ત્યારે તો બાઈ, મારો યે સંદેશો પૂછતી આવીશ ? મેં તે ઓલે ભવ શાં પાપ કર્યાં હશે, કે મારે ગળે આ ઘંટીનું પડ બંધાણું છે ! ને હું બાર ગાઉમાં રખડું છું તો યે મારો ધણીધોરી કાં ન મળે ?"