પૃષ્ઠ:Karanghelo.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩ )

રહેનારા માણસોની સંખ્યા ગણી શકાય. લશ્કર પણ ઘણું હતું, અને ઘંટવાળા હાથીએાની પણ કાંઈ કસર ન હતી.”

ઉપલા વર્ણનમાં ઘણીએક અતિશયોક્તિ છે ખરી, તો પણ એટલું તો ખરૂં કે, અણહિલપુર પાટણ એકવાર ઘણું દ્રવ્યવાન, મોટું તથા શોભાયમાન શહેર હતું. ઈ. સ.૧૨૯૬ અથવા સંવત ૧૩પર ના આશ્વિન સુદ ૯ એટલે જે દિવસે આપણી વાતનો આરંભ થાય છે, તે દિવસે તે શહેરમાં બ્રાહ્મણવાડો ઘણો રળિયામણો દેખાતો હતો. ઘેરઘેર બારણે તોરણો બાંધેલાં હતાં. આંગણાં આગળ સુંદર રંગના સાથીઆ પુરેલા હતા. લોકો ઘણા આનંદથી હરફર કરતા હતા. બ્રાહ્મણો ધોતીયું, અંગવસ્ત્ર તથા પાઘડી અને કેટલાએક તો ટોપી પણ પહેરીને ઘણી ઝડપથી કાંઈ અગત્યના કામને અર્થે જતા હોય તેમ ચાલ્યા જતા હતા. તેઓએ કેટલી એક મુદત થયાં હજામની સાથે ભારે દુશ્મનાઈ કીધી હોય એવું તેઓનાં મ્હોં ઉપરથી જણાતું હતું.ચોમાસુ બેસવાની થોડી વખત પહેલાં જ્યારે ખેતરોમાં ઘરડા ખુંપરા કાઢ્યા નથી હોતા તે વખતે તે ખેતર જેવાં જણાય છે તેવાં તેઓનાં માથાં, દાહાડી તથા ગાલ હતાં. એવા કેટલાએક બ્રહ્મદેવો તે બ્રાહ્મણવાડામાં એક મોટી હવેલીમાં જતા હતા. તે હવેલી ઘણી મોટી તથા શોભીતી હતી. તેને ચાર માળ હતા, અને તેનો બહારનો દેખાવ ઘણો ભભકાદાર હતો. તેને ફરતો મોટો કોટ હતો; તેની એક બાજુએ એક મોટો દરવાજો હતો, અને તે ઉપર એક મેડી હતી, તેમાં તે દહાડે નોબત તથા શરણાઈ વાગી રહી હતી, દરવાજામાં પેસતાં જ એક ખુલ્લું મેદાન હતું, તેમાં ઘણા જ ખુબસુરત સાથીયા પુરેલા હતા. તે ચોગાનની ચારે બાજુઓ ઉપર ફરતી અડાળી હતી, તેમાં એક તરફની માં હાથી, ઘોડા, રથ વિગેરે વાહનો રાખવામાં આવતાં હતાં, એક તરફ ગામના પટેલ, અને વાણીયા વિગેરે બીજા લોકો જેઓ રાજા પાસે ઈનસાફ માંગવા આવતા હતા તેઓ પડી રહેતા હતા; એક તરફ કારકુન દફતર ઈત્યાદિ હતાં, અને ચોથી તરફની અડાળીમાં દેવડી, એટલે સિપાઈ ચોકીદાર વિગેરેને બેસવાની જગા હતી. એ દેવડીમાં છ ફીટથી ઉંચા, શરીરે મજબુત, વિક્રાળ મ્હોંના,