પૃષ્ઠ:Karanghelo.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૯૩ )

એ તેઓનો અપરાધ તેની નજરમાં એટલો તો ભારે હતો કે એટલી સજા પણ તેને હલકી લાગી, અને જીવતા ઉપરનું બાકી રહેલું વેર મુડદાંઓ ઉપર કાઢવાને, તેઓને જલ્લાદને હાથે શહેર બહાર એક ઉંડા ખાડામાં એકઠાં હડસેલાવી દીધાં અને કોઈ પણ જાતની ક્રિયા કીધા વિના તેઓના ઉપર માટી પુરાવી દીધી.

આ બનાવ બન્યાથી સઘળા હિંદુઓના મનમાં ઘણો જ ત્રાસ પેંસી ગયો, અને તેઓ મુસલમાનોથી ઘણા જ ડરવા લાગ્યા. પણ એટલી એ જ ભયંકર વાત બની એમ ન હતું. શાહજાદા અરકલીખાં તથા કદરખાં અને માજી પાદશાહની બેગમ મલેકાજહાન તથા બીજા કેટલાએક માણસો મુલતાન આગળ અલફખાંના હાથમાં આવ્યા પછી તે તેઓને લઈને દિલ્હી તરફ આવવાને નીકળ્યો. તે જ વખતે પાદશાહ અલાઉદ્દીને મલેક નુસરતખાં કોટવાલને શાહજાદાએાની આંખ ફોડવાનો હુકમ આપી અલફખાંને મળવાને સામો મોકલ્યો. નુસરતખાંએ જઈને અલફખાંને પાદશાહનો હુકમ પહોંચાડ્યો, અને જે જગાએ તેઓ બંને મળ્યા તે જ સ્થળે તે દુષ્ટ કામ કરવાની તૈયારી થવા લાગી.

એક ઉનાળાની સ્થિર સાંજે તે બે શાહજાદાઓ એક કિલ્લાની બારી આગળ બેઠા બેઠા પોતાની દુર્દશા વિષે વાત કરતા હતા. આખા દહાડામાં સખત તાપ પડ્યો હતો, તેથી સઘળી વસ્તુઓ ગરમ થઈ ગઈ હતી તે હવે ધીમે ધીમે થંડી પડવા લાગી. બારીમાંથી ટાઢો પવન થોડો થોડો આવતો હતો તેથી તેઓનાં શરીરમાં બીજો તાપ ન હોત તો તેઓને ઘણું સુખ થાત, પણ આ વખતે તે બિચારાઓના વિચાર તેઓનાં શરીરના સુખ તરફ હતા જ નહી, તે જગ્યાએ મુકામ કરવાનું તથા તેઓની મા વગેરે બીજાં બઈરાંને દિલ્હી મોકલી દેવાનું શું કારણ હશે એ વિષે તેઓને ઘણો અંદેશો થયાં કરતો હતો. અલફખાંએ તેઓને મુલતાન આગળ અભય વચન આપ્યું હતું તેથી આટલી થોડી વારમાં તે વચન તે તોડશે, અને તેઓનો પ્રાણ લેશે, એ વિચાર તેઓના મનમાં મુશ્કેલીથી જ આવતો. પણ જ્યારે તેઓને મુકામ કરવાનું કાંઈ