પૃષ્ઠ:Karanghelo.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૯૫ )

ન નાંખ્યા ? જો મરી ગયા હોત તો સઘળું પુરું થાત, પછી કાંઈ દેખવું એ નહી અને દાઝવું પણ નહીં. મરનારને મન તો સઘળું સરખું, એના ઉપર કોઈ જુલમ કરી શકતું નથી, તેને કોઈથી દુઃખ દેવાતું નથી, તેના ઉપર વધારે આફત આવી પડતી નથી, પણ આ જીવતું મોત ખરા મોત કરતાં કેવું નઠારું ? સઘળી કામ કરવાની શક્તિ નિરર્થક થયા પછી પણ સઘળાં દુ:ખ સહન કરવાની શક્તિ તો રહે છે, એટલે ઢોરની પેઠે જ્યાં કોઈ દોરે ત્યાં દોરાવું, અરે ! ઢોર તો અટકાવ પણ કરી શકે છે, તથા લાત અને શિંગડાં મારે છે; પણ અાંધળા માણસ તો તેઓના શત્રુઓના હાથમાં જ ગયા એમ સમજવું. અરે, રાજ મેળવવાનો લોભ કેવો ભુંડો છે ! અને પાદશાહના વંશમાં હોવામાં કેટલી કમબખ્તી છે ! જો અમે કોઈ ગરીબ માણસના છોકરા હોત તો આ આફત અમારા ઉપર પડત નહીં. થોડાં વર્ષ સુખ તો ભોગવ્યું, પણ આગળ ઉપરની મોટી મોટી ઉમેદોને લીધે તે વખતનું સુખ તુચ્છ જેવું લાગ્યું, પણ તેટલું જ જો જીવતાં સુધી કાયમ રહ્યું હોત તોપણ અમે પરવરદેગારના નામનો શુકૂર કરત. પણ આ દુ:ખ આગળ તે સઘળું બળી ગયું. અમારી બેવકૂફ માના લોભના લીધે અમારા ઉપર આ વિપત્તિ આવી પડી. અમારે રાજ જોઈતું ન હતું; પણ તેણે અમારી મરજી ઉપરાંત અલાઉદ્દીનની સામા માથું ઉઠાવ્યું, તેનાં ફળ અમે ભોગવીએ છીએ. અરે પરમેશ્વર ! અમારા ઉપર આટલો બધો જુલમ શા માટે ગુજાર્યો? અમે કોઈને ઉપદ્રવ કીધો નથી, અમે કોઈનું બગાડ્યું નથી, બલકે અમારાથી જેટલું બની શકયું તેટલું ઘણાએકનું સારૂં કીધું છે. પણ હવે દુ:ખ રડવામાં શો ફાયદો છે? જે થયું તે થયું, તેનો કાંઈ હવે ઈલાજ નથી. ઉલટું અમારૂં નબળું મન દુશ્મનોની આગળ પ્રગટ કરીએ છીએ, માટે જે થવાનું હોય તે થાઓ, તે ખમવાને અમે તૈયાર છીએ; ખુદાની એ પ્રમાણે જ મરજી હશે, તો તેનો હુકમ અમે માથે ચઢાવીએ છીએ.” આટલું બોલી તેઓએ પોતાનું મ્હોં સીવી લીધું.

બીજે દહાડે અલફખાંની છાવણી ઉઠી, અને તેઓ સઘળા હાંસી શહેરમાં ગયા, ત્યાં કિલ્લામાં તે બે આંધળા શાહજાદાને કેદમાં રાખ્યા,