પૃષ્ઠ:Karanghelo.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૯૬ )

પણ આવા અર્ધા મુવેલા શાહજાદાઓ જીવતા રહે ત્યાં સુધી અલાઉદ્દીનને ચહેન પડે નહી એમ જાણી, તથા આપણે જે કરીશું તે પાદશાહ પસંદ કરશે એવી ખાતરીથી અલફખાંએ તથા નુસરતખાંએ તેઓ બંનેને ઠાર મારવાનો નિશ્ચય કીધો, એ કામ હવે કાંઈ મુશ્કેલ ન હોતું. જ્યારે મધ્યરાત્રિની વખતે તે બે શાહજાદાઓ ભર ઉંઘમાં પડેલા હતા તે વખતે બે મારાઓ ખંજર લઈને તેઓના સુવાના ઓરડામાં પેઠા, જે છેલ્લી આફત તેઓના ઉપર જલદી પડનાર છે તેની લેશમાત્ર શંકા પણ એઓના મનમાં નહી હોવાથી તે વખતે તેઓ બંને સ્થિર ચિત્તથી સુતા હતા. તેઓના દુઃખી તથા નિર્દોષ ચહેરા જોઈને તે દુષ્ટ મારાઓને પણ દયા આવી પણ તેઓ જાણતા હતા કે દયાનો આ વખત નથી, અને જો તેઓ પોતાનું કામ બજાવશે નહી તે તેઓ જાતે માર્યા જશે, તેથી તે બેમાંના એકે મન કઠણ કરી અરકલીખાંના પેટમાં ખંજર માર્યું અને તે જ વખતે બીજાએ પણ કદરખાંના ઉપર જખમ કીધો. એ જખમથી કદરખાં તો તુરત મરણ પામ્યો; પણ અરકલીખાંને વાસ્તે તો એક ઘા બસ થયો નહી. તેણે તરફડીયાં મારવા માંડ્યાં, અને “શુકૂર અલ્લા ! આ દુ:ખમાંથી જલદી તેં છુટકારો કીધો.” એવી રીતે તે બોલ્યો. પોતાનું કામ બરાબર થયું નહી તેથી તે ખુની ગભરાયો. શાહજાદાએ તેની તરફ પોતાનું મ્હોં ફેરવ્યું, અને ગુસ્સાથી બોલી ઉઠ્યો, “કાફર, હરામખોર, જલદીથી બીજે ઘા મારી આ જીંદગીનો દોરો એકદમ તોડી નાંખ, તારા અનઘડપણાથી મને કેટલું દુ:ખ થાય છે તે તું જાણતો નથી. માટે માર બીજો ધા, અને આ દુષ્ટ, પાપી જહાનમાંથી મને છોડાવ.” પણ તે માણસની અક્કલ ગુમ થઈ ગઈ તે જડભરત જેવો ઉભો રહ્યો; તેના હાથમાંથી ખંજર પડી ગયું, અને તેના મન ઉપર તેને અખતિયાર નહીં રહેવાથી તે ત્યાંથી નાસી ગયો. અરકલીખાંનને લાગ્યું કે મારનાર તો તેને એવી અવસ્થામાં મુકીને જતો રહ્યો, તેનું ખંજર પડયું હતું તેનો અવાજ તેણે સાંભળ્યો હતો, અને જેમ જેમ વખત જતો ગયો તેમ તેમ તેની વેદના પણ અસહ્ય થતી ગઈ, તે વખતે તેનામાં સેતાનનું જોર આવ્યું. તે એકદમ