પૃષ્ઠ:Karanghelo.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૯૯ )

મનમાં કલ્પશો, તો માજી પાદશાહ જલાલુદ્દીન ફિરોઝની મુખ્ય બેગમ તથા શાહજાદા અરકલીખાં તથા કદરખાંની મા, મલેકાજહાનની અવસ્થાનો તથા દેખાવનો યથાસ્થિત ચિતાર તમારા મનમાં આવશે.

તે જાતે ઘણા મજબુત મનની, ખટપટી, તથા રાજ્યકારભારની લોભી હતી. પોતાના ધણીના મુઆ પછી તેણે વગર વિચારે, તથા દુશ્મનનું સામર્થ જાણ્યા વિના પોતાના મોટા છોકરાને ખરાબ ન કરતાં, નાના કદરખાંનને ગાદીએ બેસાડ્યો, તે કામ પાર પડ્યું નહી, તેને, તેના છોકરાને, તથા તેના મળતીઆ લોકોને દિલ્હીમાંથી નાસીને મુલતાન જવું પડ્યું, એ પ્રમાણે તેની રાજ્યકાજની મોટી મોટી ઉમેદ પાણીના પરપોટાની પેઠે એકદમ ફુટી ગઈ, એ દુ:ખ કાંઈ ઓછું ન હતું પણ તેટલેથી બસ થયું નહી, તેને તથા તેના છોકરાને મુલતાનમાં ઘેર્યા, અને તેઓને જીવતાં રાખવાનું વચન અલફખાંએ આપ્યું, તે ઉપરથી જ તેઓને મુલતાનના લોકોએ શત્રુના હાથમાં સ્વાધીન કર્યા; એથી ઉલટી તેઓના ઉપર વધારે આફત પડી. તો પણ તેને એવી આશા હતી કે તેના છોકરા જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી તેઓના બાપનું રાજ પાછું મેળવવાને તેમને કોઈ વખત પણ તક મળશે. એ ઉમેદથી તેણે દહાડા કાઢ્યા, પણ જ્યારથી તે શાહજાદાઓથી છુટી પડી ત્યારથી તે નિરાશ થતી ગઈ, અને રાત્રે અને દિવસે તેના મનમાં ઘણા જ ભયંકર વિચારો આવવા લાગ્યા, ઉંઘમાં તે વારે વારે પોતાના છોકરાની કફનમાં વિંટાળેલી લાશ જોયાં કરતી, અને તેને લીધે તેનું ચિત્ત ઘણું જ આકુળવ્યાકુળ થઈ ગયું હતું. જે તેના મનમાં દેહેશત હતી, જે નઠારા વિચાર તેના અંત:કરણમાં ઉત્પન્ન થયા કરતા, તે સઘળું છેલ્લી વારે ખરું પડ્યું, તેને એક ખાનગી જાસૂસે ખબર કીધી કે શાહજાદાએાને અાંધળા કરી મારી નાંખ્યા છે, એ ખબર સાંભળતાં જ તે ભોંય ઉપર બેહોશ થઈને પડી, અને તે બેશુદ્ધિમાંથી થોડી વાર પછી જાગૃત થઈ તો ખરી, પણ તેની અક્કલ ગુમ થઈ ગઈ, તે જાગૃત તો થઈ પણ નહી જેવી જ; તેનું ભાન જે ગયું તે ફરીને પાછું આવ્યું નહી; અને જે અવસ્થામાં આપણે તેને જોઈ તે અવસ્થામાં બીચારી આવી પડી.