પૃષ્ઠ:Karanghelo.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૨૦ )

જ્યારે મલેકાજહાનની આવી દુર્દશાની ખબર પાદશાહને પડી, ત્યારે તેને અંધારા ઓરડામાંથી કાઢીને એક સારા, હવાદાર, અજવાળાવાળા ઓરડામાં રાખી, પણ એ જગ્યાના ફેરફારથી તેના મન ઉપર કાંઈ અસર થઈ નહીં. ઉલટું લોકોને તથા દુનિયાને જોઈને તેના દુ:ખમાં અને તેને લીધે તેની ઘેલછામાં વધારો થયો. તે કોઈ કોઈ વાર બારીએ ઉભી રહેતી, અને નીચે જે લોકો આવતા જતા તેઓને એકી નજરે જોયાં કરતી, લોકોને તેને જોઈને ઘણી દયા આવતી, તથા તેના દુ:ખને વાસ્તે તેઓ ઘણો અફસોસ કરતા, માત્ર દર્વેશ લોકોને તેના ઉપર દ્વેષ હતો, અને અગર જો તે કાંઈ પણ વાત ખરેખર સમજી શકતી ન હતી તોપણ તેઓ પોતાને ગુસ્સો વખતો વખત જણાવ્યા વિના રહેતા નહી. એક વખતે બેગમ બારીએ ઉભી હતી તે વખતે એક દર્વેશે ઉંચું જોઈ પોકાર કીધો – “બેગમ સાહેબ ! સીદી મૌલાને યાદ કરો. તે એક ફિરસ્તો થઈ ગયો. તેની સખાવત એટલી તો હતી કે રોજ તેને બારણે હજારો ગરીબ લોકો એકઠા મળતા. અને તેઓમાં તે રોજ એક હજાર મણ આટો, પાંચસે મણ ગોસ્ત, બસેં મણ ખાંડ તથા તે પ્રમાણે ચોખા, તેલ, ઘી, તથા બીજી ખાવાની વસ્તુઓ વહેંચતો, એવા સખી દર્વેશને તારા દુષ્ટ ખાવિંદે વગર કારણે નાલાયક કાફર લોકોની શિખામણથી મારી નંખાવ્યો. તેનાં શાં શાં ફળ નિપજ્યાં છે તે તું જાણે છે? તેણે મરતી વખતે શું કહ્યું છે તે તને યાદ છે? સીદી મૌલાના મરણથી ખુદાતાલા ઘણો ગુસ્સે થયો, વાવંટોળીયો થયો તે અર્ધા કલાક સુધી પહોંચ્યો, તેટલામાં એટલું તો અંધારૂં થયું કે દહાડો રાત જેવો દેખાયો, રસ્તામાં લોકો એકેક સાથે અથડાયા, અને તેઓને ઘેર જવાનો રસ્તો સુજ્યો નહી. તે વર્ષે વરસાદ આવ્યો નહી તેથી દુકાળ પડ્યો, અને હજારો હિંદુઓ ભુખથી રસ્તે રસ્તે અને ગલીએ ગલીએ મડદાં થઈ પડ્યા, અને આખાં કુટુંબ ને કુટુંબ દુઃખને મારે જમના નદીમાં ડુબીને મરી ગયાં. દરબારમાં ફુટ પડી. પાદશાહને ઘર તરફની મોટી આફત પડી, તેનો મોટો છોકરો ખાનખાનાં માંદો પડ્યો, અને થોડે દહાડે મરી ગયો.