પૃષ્ઠ:Karanghelo.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૦૧ )


પાદશાહની પણ થોડી મુદતમાં એવી જ દશા થઇ. તેને તેના ભત્રીજા હાલના પાદશાહે મારી નાંખ્યો. તેના વંશમાંથી રાજ્ય જતું રહ્યું. તેના બાકી રહેલા બે છોકરા પણ હમણાં જ માર્યા ગયા અને તારી આ અવસ્થા થઇ. સીદી મૌલાનો શાપ આવી રીતે અમલમાં આવ્યો; માટે બીજાનાં કીધેલાં પાપનાં ફળ તું ભોગવે છે.”

દર્વેશની આ સઘળું કહેવાની મતલબ એટલી જ હતી કે તે બેગમને ચીઢવવી, તથા દર્વશ લોકોને વાસ્તે તેનો કેવો વિચાર છે તે તેની પાસેથી કઢાવવો; પણ એ વાતમાં તે બીલકુલ ના ઉમેદ થઈ ગયો, તેને જવાબ આપવાને બદલે બેગમ પેહેલાં પ્રમાણે જ જડભરત જેવી ઉભી થઇ રહી, અને કેટલીએક વાર પછી ખડખડ હસી પડી, પોતાના બોલો પવનમાં ઉડી ગયા એમ જાણીને તે દર્વેશ નિરાશ થઈને આગળ ચાલ્યો ગયો.



પ્રકરણ ૬ ઠું.

માગશર મહીનામાં એક સવારે દિલ્હી શેહેરમાં ઘણો રમણિક તથા જોવા લાયક દેખાવ બની રહ્યો હતો. તે દહાડે શેહેર બહાર એક કાળિકા માતાનું દહેરૂં હતું તેનો પાટોત્સવ હતો, તથા અલાઉદ્દીન પાદશાહના વડા શાહજાદા ખિઝરખાંની સાલગિરી હતી, તેથી હિંદુ તથા મુસલમાન એ બંને લોકોને તે દિવસે તેહેવાર હતો. સવારે જે વખતે શેહેરની સઘળી મસજિદોમાંથી પેહેલી નિમાજને વાસ્તે બાંગ પોકારવામાં આવી, તે વખતે હિંદુ લોકોનાં ટોળેટોળાં એકઠાં થઈ શેહેર બહાર કાળિકા માતાનાં દર્શન કરવા જતાં હતાં. તે સવારે ટાઢ ઘણી જ પડી હતી, તેથી સઘળાઓએ શાલ, દુશાલા, ધાબળી વગેરે ઉનનાં ગરમ લુગડાં શરીર ઉપર ઓઢેલાં હતાં, તથા ગરીબ લોકો બિચારા ધ્રુજતા ધ્રુજતા, દાંત કકડાવતા, અદબ કરી ચાલ્યા જતા હતા. કેટલેક દૂર ગયા પછી તેઓ કુતુબમિનાર આગળ આવી પોંહોંચ્યા. એ મિનારે દિલ્હીના પહેલા મુસલમાન પાદશાહ કુતુબુદ્દીનના