પૃષ્ઠ:Karanghelo.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૦૬ )

દેવસ્થાન, વાવ, કુવા વગેરે બંધાવવાં. તેઓએ પોતાનો આશ્રમ નદી અથવા તળાવને કાંઠે રાખવો, કેમકે ત્યાં સ્નાન કરવાનું ઘણું સુગમ ૫ડે."

એ સંન્યાસીની સઘળી વાત સાંભળી એક યોગી ત્યાં પાસે ઉભો હતો તે બોલ્યોઃ “ભઈયા ! કરે તે ભલો, મારે તેની તલવાર; અને પાળે તેનો ધર્મ છે. અમારા યોગીઓ તો જે દેહકષ્ટ કરે છે તેની આગળ તમારી તો રમત છે. અમારામાંથી કેટલાએક પોતાના હાથ એટલાં વર્ષ સુધી બંધ રાખે છે કે નખ વધી હાથમાં પેસી જાય છે. કેટલાએક વર્ષોનાં વર્ષ એક જ ધાટીએ ઉભા રહે છે. વળી કેટલાએક તેઓના હાથ ઉંચા લાંબા રાખે છે તે એટલે સુધી કે નકામા પડવાથી તે હાથ ચીમળાઈ જાય છે અને જડ તથા અશક્ત થઈ જાય છે. કેટલાએક મોટો ભાર વહી જાય છે અથવા તેઓના શરીરના કોઈ કોમળ ભાગમાં એક સાંકળની કડી ભેરવીને તે જ્યાં જાય ત્યાં તે સાંકળ ઘસડતા જાય છે. કેટલાએક વર્ષનાં વર્ષ સુધી, અથવા કોઈ મોટા રાજ્યની પ્રદક્ષિણા કરી રહે ત્યાંસુધી ભોંય ઉપર કીડાની પેઠે પેટ ઘસડતા ચાલે છે. કેટલાએક જગન્નાથપુરી સુધી આખે રસ્તે પગે પડતા પડતા જાય છે, અથવા શરીરને દડા જેવું કરી નાંખી સિંધુ નદીને કાંઠેથી ગંગા નદીના કાંઠા સુધી ગબડતા ગબડતા જાય છે, અને એવી રીતે જતાં જે કાંઈ પૈસા મળે તે એકઠા કરી તે વડે દેવાલય બંધાવે છે, કુવા અથવા વાવ ખોદાવે છે, અથવા કાંઈ ગુપ્ત પાપનું પ્રાયશ્ચિત્ત કરે છે કેટલાએક ભર ઉનાળામાં બળતા તાપ ઉપર હીંચકા ખાય છે, અથવા ઘણા આકરા તાપ ઉપર નીચું માથું રાખી ટંગાઈ રહે છે. કેટલાએક ભોંયમાં ગરદન સુધી દટાય છે, ફક્ત શ્વાસ લેવાને એક નાનું કાણું રાખે છે. કેટલાએક શરીર ઉપર ચાબખા મારે છે, ખીલાની શય્યા ઉપર કેટલાએક સુએ છે. કેટલાએક જીવતાં સુધી પોતાના શરીરને કોઈ ઝાડના થડ સાથે સાંકળવડે બાંધી લે છે. એ પ્રમાણેના દેહકષ્ટ તેઓ કરે છે. જો એ વાતની લખેલી સાબિતિ જોઈતી હોય તે કાળીદાસકૃત શાકુન્તલ નાટક વાંચો; તેમાં એક ઠેકાણે આ પ્રમાણે લખ્યું છે."