પૃષ્ઠ:Karanghelo.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૧૦ )

નાંખી છે. માટે ઈંદ્રિયો જેમ આપણી મિત્ર તેમ આપણી શત્રુ પણ છે. તે એક નદીના પ્રવાહ જેવી છે; જ્યાં સુધી તે ધીમે ચાલે છે ત્યાં સુધી સઘળાને ફાયદો કરે છે, પણ જ્યારે જુસ્સાથી વહે છે ત્યારે તેના સપાટામાં જે આવે તેને ઘસડી જાય છે. તે એક વાઘ જેવી છે. જ્યાં સુધી તેને પાંજરામાં ગોંધી રાખે ત્યાં સુધી કાંઈ ચિંતા નહી, પણ તેને પાંજરૂં તોડતાં વાર લાગતી નથી. તેને જીતવી એ ઘણું કઠણ કામ છે, અને ઘણા જ થોડા માણસથી તે બની શકે છે, માટે તેઓને ફાવવા જ ન દેવી એ ડહાપણ છે. એટલા કારણોથી સંન્યાસી, યોગી, વગેરે પોતાની ઈંદ્રિયો ઉપર ભરોસો રાખતા નથી.

વળી આ સંસાર એક મોટો વિકટ સાગર છે તેમાં કરોડો વહાણો હંકરાય છે તે વહાણોમાં તેના ધણી પોતાની સાથે સંબંધ રાખનાર માણસો લઈને બેસે છે. એ દરિયામાં અગણિત નાના મોટા ખડકો પાણીમાં ઢંકાયલા છે તે ઉપર કેટલાંએક વહાણો ગર્ભપુરી બંદરમાંથી નીકળતાં જ અથડાઈને ભાંગી જાય છે, અને તેમાં બેઠેલાં તમામ માણસો ગરક થઈ જાય છે, બીજાં કેટલાંએક થોડે આગળ ચાલ્યા પછી ડુબે છે. એ પ્રમાણે એક પછી એક વહાણ એ ખડકોને લીધે ભાંગતાં માલમ પડે છે, અને બીજાં નવાં ગર્ભપુરી બંદરની ગોદીમાંથી દરિયામાં બહાર પડે છે, જ્યાં સુધી વહાણો મુક્તિપુરી બંદરે પહોંચે ત્યાં સુધી આખે રસ્તે સાગરનાં મોટાં ઉછળતાં તોફાની મોજાંથી તેઓ ઉંચાં થાય છે, અને હમણાં ડુબશે હમણાં ડુબશે એવી તેમાં બેસનારાઓને દહેશત રહે છે. દરિયામાં ડુબેલા ખડકો શિવાય બીજા અગણિત ઉંચા આવેલા, પથ્થરની સીધી બાજુવાળા બેટો છે, તે ઉપર લીલોતરી તથા રળિયામણા પર્વતો હોવાને લીધે ઘણા સુંદર દેખાય છે. વળી તે ઉપર દેખીતી ખુબસુરત દુર્ગુણ નામની રાક્ષસીઓ બેસીને મધુર રાગથી ગાયન કરે છે. કટાક્ષ બાણથી વહાણમાં બેસનારાઓને ત્યાં આવવાને ઈશારત કરે છે. વહાણ ધણીની સાથે જેઓ બેઠેલા હોય છે તેઓમાંથી કેટલાએક તેના ખરા મિત્ર હોય છે; કેટલાએક તો તે દુષ્ટ રાક્ષસીઓનાં સગાં તથા મદદગાર હોય છે, અને તેઓ વહાણ ધણીને તે બેટોમાં જવાને નિરંતર સમજાવ્યાં કરે