પૃષ્ઠ:Karanghelo.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૧૪ )

ઉલટો અભિપ્રાય આપવાની તેણે હિમ્મત ચલાવી. પાદશાહ ઘણો જ નાખુશ થયો, અને જો ખાજાખતીરની સાચવટ, તથા સદ્દગુણે તેનો બચાવ કીધો ન હોત તો તેની ગરદન કપાઈ જાત. અગર જો તે જીવતો તે રહ્યો તોપણ તેના અધિકાર ઉપરથી તેને કાઢી મુકયો, અને નુસરતખાંને વજીરાત આપી. એ નવા વજીરે પાદશાહનો ગેરવાજબી હુકમ માથે ચઢાવ્યો. અને તેણે અમીરો ઉપર સખતી કરીને તેઓની પાસેથી આપેલા પૈસા પાછા કઢાવવા માંડ્યા. અમીર લોકો આ જુલમથી ઘણા ગભરાયા, તથા બીજો કાંઈ ઈલાજ નથી એમ જાણી તેઓ તે હુકમની સામે થયા, તથા ઘણા જણે એકઠા મળી એક બંડ ઉઠાવ્યું પણ તેઓનું કાંઈ વળ્યું નહી. ઉલટું તેઓના સઘળા પૈસા ગયા એટલું જ નહી, પણ તેઓ સઘળાને કેદખાનામાં નાંખ્યા, જ્યાં તેઓને કેટલીએક મુદ્દત સુધી સડ્યાં કરવું પડ્યું. પાછળથી તેઓને પોતાની બેવકુફીનો ઘણો પસ્તાવો થયો, તથા પોતાના ગુન્હાને વાસ્તે તેઓએ પાદશાહની ઘણી વાર માફી માગી, પણ કઠણ મનના તથા નિર્દય અલાઉદ્દીને તેઓને ક્ષમા કીધી નહી.

હમણાં અલાઉદ્દીનના સઘળા શત્રુઓ છુટા પડી ગયા હતા, તથા તેને હવે પોતાના રાજ્યની સલામતીને વાસ્તે કાંઈ પણ દેહેશત રહી ન હતી; તેથી તેણે વિચાર્યું કે હવે એ અમીરો તરફથી રાજ્યને કાંઈ પણ નુકસાન પોહોંચવાનું નથી, તેથી ખિઝરખાં શાહજાદાની સાલગિરીને રોજે તેઓ સઘળાને છોડી મુકી તે દહાડાની ઉત્સવની ખુશાલીમાં વધારો કરવાને તથા લોકોમાં વાહવાહ કહેવડાવવાનો તેણે નિશ્ચય કીધો. બધા અમીરોને તેણે કેદખાનામાંથી બેાલાવી મંગાવી પોતાની સામા ઉભા રાખ્યા. તેઓ બિચારા મરણતોલ થઈ ગયા હતા; અને જીવથી ઉગર્યા તથા બંધીખાનામાંથી એટલા જલદી છુટ્યા તેને વાસ્તે તેઓ પરમેશ્વરની અંતઃકરણથી સ્તુતિ કરતા હતા. “તમે સઘળા હવે બંધીખાનામાંથી છુટ્યા,” એટલું પાદશાહના મ્હોંમાંથી નીકળતાં જ તેઓની છાતીમાં હર્ષ ઉભરાઈ ગયો, અને 'શુકર અલ્લા' એટલા જ અક્ષર તેઓના મ્હોડામાંથી નીકળી ગયા. તે વખતે મિજલસમાં ઘણા મોટા મોલવી તથા મુસલમાની ધર્મ તથા