પૃષ્ઠ:Karanghelo.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૧૫ )

શરેહના ઘણા કાબીલ લોકો બેઠેલા હતા. તેઓમાં મુખ્ય મોધીસુદ્દીન કાઝી હતો, તે કાઝી સાહેબની સામું જોઈ અલાઉદ્દીન પાદશાહે કહ્યું કે આજે દરબારી કામ સઘળું બંધ છે, તથા આજનો દિવસ ઘણો ખુશીખુશાલીને છે, માટે તમને મારે શરેહ બાબે કેટલાએક સવાલ પૂછવા છે. આગળ કોઈ વખત પણ પાદશાહે ઈલમી લોકોની સલાહ પૂછી ન હતી, તથા એવા સઘળાઓને તે ઢોંગી તથા લુચ્ચા ગણતો હતો, તેથી પાદશાહની ઉપલી વાત સાંભળી કાઝી સાહેબના હોંશ ઉડી ગયા, તથા હવે શું થશે તેની મોટી ફિકર તેને પડી. તે બોલ્યોઃ “જહાંપનાહ ! આપ જે ફરમાવો છે તે ઉપરથી મને નક્કી થાય છે કે મારો અંતકાળ પાસે આવ્યો છે, તથા મારા દહાડાની ગણત્રી થઈ ચુકી છે, જો એમ હોય, અને તેમ કરવાની જહાંપનાહની મરજી હોય તો મરવાને હું તૈયાર છું, પણ બંદાની અરજ એટલી જ છે કે જો સાચેસાચું બોલવાને માટે તથા જે ખુદાનો કલામ છે તે પ્રમાણે ખરેખરો દહેશત રાખ્યા વિના અભિપ્રાય આપવાને માટે જો આપ મને ગરદન મારશો, તો મને મારી નાંખવાના ગુન્હામાં ઘણો ઉમેરો થશે, એટલા માટે જ હું ઘણો દિલગીર છું, બીજી કશી વાતની મને દરકાર નથી.” આ વાત સાંભળીને પાદશાહે પૂછયું: “તમે શા ઉપરથી આટલી દહેશત રાખો છો?” કાઝીએ જવાબ દીધો: “જો હું સાચું બોલીશ, અને તેથી જહાંપનાહને ગુસ્સો લાગશે તો મારી જીંદગી પૂરી થશે, અને જો હું જુઠું બોલીશ, અને જહાંપનાહને બીજાઓથી સાચી વાતની ખબર થશે તો પણ હું મોતની શિક્ષાને યોગ્ય થઈશ.” અલાઉદ્દીને કાઝીને ધીરજ આપી તથા શાંત મન રાખી પેગંબર સાહેબની શરેહ પ્રમાણે સઘળા સવાલોના સાચા જવાબ આપવાની ભલામણ કીધી, પછી પાદશાહે એક પછી એક સવાલ પૂછવા શરૂ કર્યા,

પેહેલો સવાલ – જો સરકારી નોકરોએ રૂશવત લેવાનો અન્યાય કીધો હોય, તથા જેમણે સરકારની ઉચાપત કીધી હોય, તેમણે ચોરી કીધી હોય અને તેઓ ખરેખર ચોર જ હોય તે માફક તેઓને સજા કરવી મુનાસિબ છે કે નહી ?