પૃષ્ઠ:Karanghelo.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૧૬ )

જવાબ– જો કોઈ પણ સરકારી નોકરને તેના કામની મહેનત તથા જવાબદારી પ્રમાણે જોઈએ તેટલો મુશારો મળતો હોય, અને તે છતાં પણ તે રૂશવત લેવાનો તથા જે લોકોની સાથે તેને કામ પડે તેઓની પાસેથી બળાત્કારે પૈસા કઢાવવાનો ગુન્હો કરે તો સરકારની નજરમાં આવે તેવા ઉપાયથી તે પૈસા વસૂલ કરી લેવાનો તેને અખતિયાર છે. પણ કોઈ સાધારણ ગુન્હેગારની પેઠે તેને દેહાંત દંડ કરવાનો તથા તેના હાથપગ વગેરે શરીરનું એકાદું અંગ કાપી નાંખવાનો સરકારને હક્ક નથી.

પાદશાહે કહ્યું કે આ વાતમાં હું શરેહ પ્રમાણે સરાબર ચાલું છું. કેમકે સરકારી નોકરોએ જોરજુલમથી ફોસલાવીને અથવા દગાફટકાથી જે પૈસા લોકો પાસેથી લીધા હોય છે, તેઓની પાસેથી હું ગમે તે ઉપાયથી વખતે મારફાડ કરી તથા તેઓના શરીરને દુ:ખ દઈને પણ પાછા કઢાવું છું.

બીજો સવાલ – હું તખ્ત ઉપર બેઠો તે પહેલાં મેં દેવગઢ ઉપર ચડાઈ કરી ત્યાંથી દ્રવ્ય હરી લાવ્યો તે મારી ખાસ મિલકત ગણી તેને મારી પાસે રાખવાનો મારો હક્ક છે કે નહીં ? શું તે પૈસા મારે સરકારી ખજાનામાં મૂકવા જોઈએ? અને લૂંટના કોઈપણ ભાગ ઉપર લશ્કરના લોકોને કાંઈ હક્ક છે કે નહી?

જવાબ - પાદશાહની સાથે લડાઈમાં જેટલા સિપાઈઓ હતા તેઓમાંના દરેક સિપાઈને જેટલો હિસ્સો આપવો જોઈએ તેટલો જ હિસ્સો લેવાને જહાંપનાહને હક્ક છે.

આ જવાબ સાંભળીને પાદશાહ ઘણો નાખુશ થયો, અને જરા ચીઢીને બોલ્યો કે જે વખત હું ફક્ત સરદાર હતો તે વખતે મારી જાતની મહેનતથી મેળવેલી લૂંટ ઉપર સરકારનો અથવા ખાનગી સિપાઈઓનો શો હક્ક પોહોંચે છે, તે મારાથી સમજાતું નથી.

કાઝીએ જવાબ દીધો કે જેટલી લૂંટ આપે પોતાની મેહેનતથી મેળવેલી હોય તેટલા ઉપર જ ફક્ત આપનો દાવો વાજબી છે; જેટલી લૂંટ સિપાઈઓની મહેનતથી મેળવી હોય તેમાં તો આપની સાથે તેઓનો પણ હિસ્સો ગણાવો જોઈએ.