પૃષ્ઠ:Karanghelo.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૧૯ )

“કાઝી સાહેબ ! અગર જો મેં આપની પેઠે કિતાબનો અભ્યાસ કીધો નથી, તો પણ મેં મુસલમાનને પેટે જન્મ લીધો છે તે હું કદી ભુલનાર નથી. તેથી તમે જે સઘળા જવાબ દીધા છે તે સાચા છે એમ મારે કબુલ કીધા વિના ચાલતું નથી. તો પણ હું એટલું તો હજી કહું છું કે જો હું તમારા ખરા અભિપ્રાય પ્રમાણે રાજ્ય ચલાવું તે આ હિંદુસ્તાનનું રાજ્ય એક દહાડો પણ બરાબર ચાલે નહી. જો ગુન્હાઓને માટે સખત સજા કરવામાં ન આવે તો ગુન્હા કોઇ કાળે બંધ થાય નહીં. માટે એવી બાબતોમાં મારી અક્કલ પ્રમાણે જ્યારે ઘણી સખતાઈથી ચાલું છું, ત્યારે હું ખુદા ઉપર બિલકુલ ભરોસો રાખું છું, અને ઘણી નમનતાઈથી એ દયાળુ, પાક પરવરદગારની બંદગી કરું છું કે જો મારી ભૂલ થાય તો હું તોબા કરીશ, એટલે હું મહા પાપી ઉપર તે મેહેર કરશે.”

પાદશાહનું આ બોલવું સાંભળી સઘળા દરબારમાં બેઠેલા લોકો દિંગ થઈ ગયા, અને કાઝી સાહેબની અજાયબ જેવી હિમત તથા પાદશાહના અદલ ઈનસાફ તથા ડહાપણ ઉપર તેઓએ હજાર આફરીન કીધી. છુટેલા અમીરો પાદશાહને પગે પડ્યા, અને ફરીથી કોઈ વાર તેની સામા માથું ન ઉઠાવવા તેમણે ખરા મનથી વચન આપ્યું. પછી પાદશાહ દરબારમાંથી ઉઠ્યો, અને ખિજરખાં શાહજાદો બધા અમીરોની ટોળીમાં સામેલ થયો. હવે તે દહાડાની ગમત તથા મેાજ શરૂ થઈ; કંચનીઓના નાચ થવા માંડ્યા, તથા શરાબબાજી પણ પુષ્કળ ચાલી. તે સઘળું થઇ રહ્યા પછી તેઓ સઘળા પોતપોતાને ઘેર ગયા. પછી બપોરે અમીર લોકો પાદશાહી મહેલમાં પાછા એકઠા થયા તે વખતે એક પેટીમાં સોના તથા રૂપાની બદામ ભરીને એક ખવાસ શાહજાદા પાસે લાવ્યો, તેમાંથી તેણે મુઠી ભરી ભરીને અમીર લોકોની વચ્ચે ઉડાવી. તે વખતે આ શ્રીમંત લોકો શાહજાદાને માત્ર ખુશ કરવાને માટે ભીખારીની પેઠે બદામ વીણવાને તુટી પડ્યા, અને તે ગરબડાટમાં કેટલાએકની પાઘડીઓ ઉડી પડી, કેટલાએક રગદોળાયા, કેટલાએક છુંદાયા; તથા કેટલાએક ચીસ