પૃષ્ઠ:Karanghelo.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૨૧ )

બેહદ હર્ષ થતો. એ પ્રમાણે એક કલાક સુધી રમત ચાલી પણ બેમાંથી એકનો જય થયો નહી. તે બંને પશુઓ ઘણાં ખીજવાયાં, અને પોતાનો તમાશો જેમ બને તેમ જલદીથી પુરો થાય એવી રીતે ઘણાં જુસ્સાથી એક એકની સામાં થયાં, અંતે વાઘ હાથીના સપાટામાં આવી ગયો, તેને તુરત સુંઢમાં પકડ્યો અને તેના શરીર ઉપર એક પગ મુકી તેને ચીરી નાંખ્યો. એ ભયંકર તમાશો જોવાથી લોકોના મનમાં દયા ઉત્પન્ન થવાને બદલે તેઓ ઘણા જ ખુશી થયા, અને જાણે કોઈ દુશમન ઉપર મોટી ફતેહ મેળવી હોય તેમ તેઓએ જયજયકારની બુમ પાડી. પછી લોક પોતપોતાને ઘેર ગયા. હાથીના માવતને માટે સરપાવ થયો, પાદશાહી મહેલમાં પાછો રંગ મચી રહ્યો, અને ચોગાન જેવું હતું તેવું સાફ થઈ રહ્યું.

રાતની વખતે શેહેરની શોભાનું વર્ણન થઈ શકે એવું ન હતું. શાહજાદાની સાલગિરી તેથી તે શેહેર બહાર દરવેશ સીદી મૌલાની કબર ઉપર ફુલ ચઢાવવાને સ્વારી સહિત તે રાત્રે જવાને હતો. એ દરવેશના મોતથી અલાઉદ્દીન પાદશાહ થયો, તે જીવતો હતો ત્યારે તે ઘણો ચમત્કારી પુરૂષ ગણાતો હતો; અને મુઆ પછી તેની માનતા ચાલવા લાગી તેથી તે પીરની સંખ્યામાં દાખલ થયો. શેહેરમાં રોશની કીધેલી હતી, તેમાં વિશેષે કરીને જે રસ્તેથી સ્વારી જવાની હતી ત્યાં દીવાનો ભભકો એટલો બધો હતો કે ત્યાં આગ લાગી હોય એટલું અજવાળું થઈ રહ્યું હતું. મોટા અમીર લોકોના મહેલમાં પણ માંહેથી તથા બહારથી ઘણી જ રોશની કરવામાં આવી હતી, અને આગળ હોજ ઉપર જે દીવાએ મુકેલા હતા તથા તે ઉપર ચોતરફ કુલોના હાર બાંધેલા હતા તેનું પ્રતિબિમ્બ પાણીમાં પડતું તેથી ઉપર તથા નીચે બંને ઠેકાણે ઝળઝળાટ થઈ રહ્યો હતો. દુકાનો ઉપર પણ રોશનીની સાથે ફુલોનાં તોરણ બાંધેલાં હતાં. વળી આખે રસ્તે ચીનના કારીગરોની બનાવેલી આતસબાજી મંગાવેલી હતી તેમાંથી તરેહતરેહવાર ઝાડો થોડે થોડે અંતરે દાટેલાં હતાં. રસ્તામાં લાખો લોકો ઘણાં સુન્દર પોશાક પહેરીને ફરતા હતા, હિન્દુઓ બીચારા