પૃષ્ઠ:Karanghelo.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૨૨ )

બીહી બીહીને રસ્તાની બાજુએ ચાલતા હતા. મુસલમાન ફકીરોનાં ટોળેટોળાં લોકોને હડસેલો મારતાં તથા બીજી રીતે ઉપદ્રવ કરતાં જતાં હતાં. પઠાણ લોકો જેઓનું રાજ્ય હતું, તેઓ ઘણા ડોળથી પતરાજીની સાથે ધીમે ધીમે ડગલાં ભરતા હતા. મુસલમાન સવારો ઘોડા નચાવતા તથા કુદાવતા અને કોઈ માણસ છુંદાશે તેની પરવા ન રાખતાં રસ્તાઓમાં લોકોને આણીગમ તેણીગમ દોડાવતા હતા. સિપાઈ લોકો પણ ઘણી બેપરવાઈથી હારની હાર લોકોને હડસેલતા જતા હતા. થોડાએક મોગલ લોકો જેઓનો ચઢતો દહાડો હજી આવ્યો ન હતો તેઓ ભરાતા ભરાતા તથા ગુપચુપ વાત કરતા ચાલ્યા જતા હતા. અમીર તથા પૈસાવાળા મુસલમાન લોકો ઘોડા, હાથી, પાલખી અથવા ગાડીઓમાં બેસીને દોડાવતા આગળ જઈ કોઈ સારે ઠેકાણે ઉભા રહેતા હતા. એ પ્રમાણે સઘળે રસ્તે એટલી તો ભીડ થઈ રહી હતી કે લોકોનાં માથાં ઉપરથી થાળી ચાલી જાય તો પણ નીચે પડે નહી.

થોડી રાત ગયા પછી સવારી નીકળી. આગળ ડંકા, નોબત તથા નિશાનવાળાઓ ઘોડા, હાથી તથા ઉંટ ઉપર બેસીને આવ્યા. પછી સવારો, સિપાઈઓ વગેરેનાં ટોળેટોળાં વગર બંદોબસ્તે ચાલતાં હતાં. છેલ્લે શાહજાદાનો હાથી આવ્યો તે ઘણો જ શણગારેલો હતો. તેના ઉપર સોનેરી ઝુલ હતી તથા હીરામાણેકનાં ઘરેણાં તેને ઘાલેલાં હતાં. શાહજાદાનો શણગાર પણ તેવો જ ઉમદા હતો. તેણે ઘરેણાં ઘાલેલાં હતાં એમ કહીએ તો ખોટું પડે, તેને ઘરેણાંવડે લાદેલો હતો, અને મહમૂદ ગઝનવી, શાહબુદ્દીન ઘોરી ઈત્યાદિ જે મોટા પાદશાહો થઈ ગયા તે કરતાં પણ અલાઉદ્દીને વધારે દોલત હિંદુસ્તાનમાંથી લૂંટફાટથી મેળવી હતી તે આ વખતે જણાઈ આવતું હતું. હીરા, મોતી, માણેક તો રેતીના કાંકરાની પેઠે વાપરેલાં હતા. સોનું તો તેના મનને પીતળ, અને રૂપું તો કલાઈ જેવું ગણાતું હતું. એ સઘળાની પાછળ છુટી આતશબાજીનાં ગાડેગાડાં ભરેલાં ચાલતાં હતાં. દીવાઓની રોશની તથા આતશબાજીના અજવાળાથી શાહજાદાનાં ઝવેરો જે ઝેબ મારતાં તથા તેઓમાંથી જે ઝળકાટ નીકળતો તેથી તેનું શરીર સૂર્યના