પૃષ્ઠ:Karanghelo.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૬ )

નહી, પૈસા મેળવવાને તથા તેને સાચવી રાખવાને અને વ્યાપાર બરોબર ચલાવવાને જે અક્કલ જોઈએ છે તે તેની શિકલ જોતાં તેનામાં છે એમ શોધી કાઢવું મુશ્કેલ હતું. તેનું શરીર એટલું તો જાડું હતું કે જો તે એકાએક મરી જશે તો તેને ઊંચકી શી રીતે લઈ જવાશે એ વિશે તેની ન્યાતના લોકોને ભારે ફિકર હતી. તેમાં ચરબી એટલી તો હતી કે તેનું પેટ ઝુલી ગયું હતું. અને તેના વાટા એવા મોટા અને જાડા હતા કે જો કોઈ નાની વસ્તુ તેમાં ભરાઈ જાય તો વર્ષોનાં વર્ષો સુધી તેમાં રહે અને તેના જાણ્યામાં પણ ન આવે, તેની બોચી આગળ એક એવો જાડો વાટો વળ્યો હતો કે હજામત કરાવતી વખતે હજામને તેને ઉચકી બોડતાં ઘણી મુશ્કેલી પડતી હશે. તેનું મ્હેાં પણ તેવું જ મોટું હતું. તેની આંખ ખાડામાં પેસી ગયેલી તથા ઝીણી હતી, અને વારેવારે પલકારા માર્યા કરતી તે ઉપરથી જણાતું કે તેને સોનું રૂપું જોવા ઉપર ઘણી પ્રીતિ હતી. એવો જેઠાશા તે વખતે મોતીનાં ઘરેણાં પહેરીને બેઠો હતો. તે આદિનાથનો ભક્ત હતો તેથી માતાના હવન ઉપર તેને કાંઈ આસ્થા ન હતી, તથા તે જોવાથી અને બ્રહ્મવચન સાંભળવાથી પરલોકમાં સુખની પ્રાપ્તિ થશે એમ તે માનતો ન હતો, તો પણ ઘરધણીને માત્ર ખુશ કરવાની મતલબથી તે ત્યાં આવી બેઠો હતો.

નાગર ગૃહસ્થોની ટોળીમાં એક પુરુષ વિશેષે કરીને તેજસ્વી તથા જોવા લાયક હતો, તે એક મોટા રૂપાની ભમરીવાળા પાટલા ઉપર બેઠેલો હતો, તેના શરીર ઉપર ફક્ત ધોતીયું તથા ઘણી ઉમદા કાશ્મિરી શાલ હતી, હાથે હીરાની પોંહોચી તથા બાજુબંદ હતા, અને આંગળીએ હીરા, માણેક વિગેરેની ચળકતી વીંટીઓ હતી. કોટે વટાણા જેવડાં મોતીઓની કેટલીએક માળા તથા હીરાનો કંઠો હતો, અને કાન પણ તેથી વધારે મોટાં તથા પાણીદાર મોતીથી શણગારેલા હતા, તેના દેખાવ ઉપરથી માલમ પડતું હતું કે તે કોઈ મોટો માણસ છે, અને તેને જોઈને કોઈને પણ તેને માન આપ્યા વિના ચાલે જ નહીં એવો તેનો દમામ હતો. તેનું કદ મધ્યમ હતું, તેના શરીરનો બાંધો છેક જાડો તો ન કહેવાય, તો પણ તેનું વલણ કાંઈએક જાડાશ ઉપર હતું, તેની ચામડીનો