પૃષ્ઠ:Karanghelo.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૨૩ )

બિંબ જેવું દેખાતું એટલે તેની સામું જોવાને કોઈની આંખમાં કૌવત ન હતું. એ પ્રમાણે સવારી મોટા બજારમાં આવી. સઘળા તમાશગીતરોમાંનાં અર્ધા તો ત્યાં જ એકઠા મળેલા હતા, તે સિવાય ગાડી, ઘોડા, હાથીની કાંઈ ખોટ નહતી, વળી રસ્તો ઘણો સાંકડો તથા આતશબાજીનાં ઝાડ ઘણાં પાસે દાટેલાં તેથી પહેલું જ ઝાડ છુટતાં લોકોમાં કચડાકચડી થઈ અને જો લોકો એકદમ ઓછા નહી થાય તો ફક્ત ભીડાભીડથી જ કેટલાએક મરી જશે, એવી દહેશત લાગવા માંડી. પણ કમનસીબે બીજું ઝાડ જે સળગાવ્યું તે ફાટ્યું અને તેમાંથી જે તોટા તથા હવાઈ છુટી તે કેટલીએક સવારીના લોકો ઉપર, કેટલીએક તમાશગીરો ઉપર, અને કેટલીએક પાછળનાં આતશબાજીનાં ગાડાંમાં પડી. તે વખતે તમામ લોકોમાં ઘણો ગભરાટ થયો, પાછલાં ગાડાંમાંથી જે આતશબાજી સળગી તે સઘળી ઉડીને લોકો ઉપર પડી તેથી હજારો માણસોનાં પાઘડી લુગડાં સળગી ગયાં. લોકો નાસવાનું કરે પણ કાંઈ થાગ લાગે નહી. એકેકને અડક્યાથી તથા દબાયાથી કેટલાએકનાં લુગડાં હોલવાઈ ગયાં, પણ બીજાઓનાં સળગ્યાં. લોકો મારામાર કરી, તથા જેઓની પાસે હથીયાર હતાં તેઓ તલવાર, કટાર, ખંજર લોકોના શરીરમાં ઘોંચી બહાર મેદાનમાં પડવાનું કરે, પણ લોકોનો જે કોટ થઈ રહેલો તેમાંથી નીકળાય નહી. બળવાના તથા છુંદાવાના દરદથી લોકો ચીસાચીસ પાડવા લાગ્યા. ઘરડા, અશક્ત તથા બાળક બીચારા ભોંય ઉપર પડી રગદોળાતા તેઓ બુમાબુમ પાડતા, તેમાં તોટા, હવાઈ, ફટાકા વગેરેનો સણસણાટ તથા ફડફડાટ થઈ રહ્યો હતો તેથી તે સ્થળ એક રણસંગ્રામના જેવું થઈ રહ્યું, વળી અધુરામાં પુરા ઘોડાઓ ચમકી તથા હાથીઓ ઘેલા થઈ લોકોમાં દોડવા તથા કુદવા લાગ્યા. તેઓએ પોતાના સવારોને પાડી નાંખ્યા, અને આવો લાગ ફરીથી મળશે નહી એવો જાણે વિચાર કરી જોરથી વગર મતલબે આણીગમ તેણીગમ દોડવા તથા લોકોને પગતળે છુંદી નાંખવા લાગ્યા. ધનવાન અને નિર્ધન, જુવાન ને ઘરડા, શેઠ અને ચાકર, અમીર અને ફકીર એ સઘળામાં કાંઈ અંતર રહ્યો નહી. તેઓ સઘળા એકસરખા ધુળમાં