પૃષ્ઠ:Karanghelo.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૨૬ )

વાત કરવી, મારે માટે શું માગી લેવું, પાદશાહ મારી વાત કબુલ કરશે કે નહી, આ સઘળા વિચાર તેના મનમાં આવ્યા કીધા, તેથી સવાર થતાં કાંઈ જ વાર લાગી નહી. તેણે ઉઠીને સ્નાન કીધું, અને જે ઉંચામાં ઉંચો પોશાક પોતાની સાથે લાવ્યો હતો તે પહેર્યો. એટલામાં પાદશાહની તરફથી હાથી તથા સવાર તેને તેડવાને આવ્યા. માધવ ઘણા હર્ષમાં તથા મોટી ધામધુમની સાથે પાદશાહના મેહેલમાં ગયો. ત્યાં થોડી વાર રાહ જોયા પછી તેને પાદશાહની હુઝુરમાં દાખલા કીધો. આગલા દહાડાની તમામ હકીકતથી પાદશાહ સારી પેઠે વાકેફ હતો તેથી માધવને તે વાત કહેવી પડી નહી. માધવને બેસવાની જગ્યા આપીને તેનું નામ, જાત, ધંધો તથા આગળ તેણે શાં શાં કામ કીધાં તે સઘળું પૂછયું, તે ઉપરથી તેણે તે દહાડા સુધીનો પોતાનો સઘળો અહવાલ કહી સંભળાવ્યો, અને છેલ્લી વારે બોલ્યોઃ “જહાંપનાહ! આખા હિન્દુસ્થાનમાં ગુજરાત જેવો કુળવાન તથા દ્રવ્યવાન પ્રાંત બીજો કોઈ નથી. તે હિન્દુસ્થાનનું કાચું સોનું છે. તેમાં સઘળી જાતની પેદાશ થાય છે. તેની તમામ જમીન ખેડાય એવી છે. નદીનાળાંથી ભરપૂર છે. તેમાં ઘણું સુન્દર વન છે. તેમાં રળિયામણા પહાડો છે. સારાંશ કે તે આ લોકમાં દેવલોક જેવું છે. ત્યાંનો રાજા કરણ વાઘેલો દુષ્ટ, કૃતઘ્ની, તથા હઠીલા સ્વભાવનો છે, તેથી તેના ઉપર લોકોની જરા પણ પ્રીતિ નથી. રાજ્ય અસલ તો બળવાન હતું પણ હાલ કેટલીએક મુદત થયાં તે નિર્બળ થઈ ગયું છે. ખંડિયા રાજાઓ ખંડણી બરાબર આપતા નથી. સામંત લોકો અસંતોષી છે. સિપાઈઓના પગાર ચઢેલા રહે છે તેથી તેઓ પણ નાખુશ રહે છે. દેશમાં બીજા લોકોમાં શૂરાતન રહેલું નથી, મારા ઉપર લોકોની પ્રીતિ છે, મારા ઉપર જે જુલમ ગુજાર્યો છે તે ઉપર લોકો ત્રાસ ખાય છે; હજી રાજ્યમાં મારા ઘણા મિત્રો છે, આપના ત્રાસથી બીજા રજપૂત રાજાઓ થરથરી ગયા છે. તેથી આ સમયે તેઓ પણ તેને સહાય થશે નહીં, બલકે તેના લશ્કરનો કેટલોએક ભાગ મારે લીધે આપણને આવી મળશે, માટે ગુજરાત જીતવું કાંઈ જ મુશ્કેલ નથી. આપને મન તો તે છોકરાંની રમત છે. તેથી મારી અરજ એટલી