પૃષ્ઠ:Karanghelo.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૨૭ )


જ છે કે તે દેશ સર કરવો, અને તેનો સૂબો ગમે તેને મુકરર કરવામાં આવે તોપણ તેના હાથ નીચે મુખ્ય કારભાર મને સોંપવો.”

અલાઉદ્દીને પોતાનું નામ બીજો સિકંદર રાખ્યું હતું, અને તે નામ તેણે સિક્કા ઉપર કોતરાવ્યું હતું તેથી તેને અસલ રૂમી સિકંદરની પેઠે દેશો જીતવાનો ઘણો શોખ હતો. માટે જ્યારે આવો વખત આવ્યો ત્યારે તેનો ઉપયોગ કર્યા વિના તેને જવા ન દેવો, એવો તેણે નિશ્ચય કીધો. એણે માધવની સઘળી વાત કબુલ રાખી. થોડી મુદ્દતમાં ગુજરાત જીતવાનું વચન આપ્યું, અને તેને કેટલુંએક દ્રવ્ય આપીને વિદાય કીધો.



પ્રકરણ ૭ મું.

પાટણથી સિદ્ધપુર અને ત્યાંથી અંબાભવાની, આબુ, મેવાડ, મારવાડ વગેરેમાં થઈને દિલ્હી શેહેર આપણે જોયું; ત્યાંની શોભા, પાદશાહની રીતભાત તથા રાજ્યનીતિ સઘળું આપણા જાણ્યામાં થોડુંએક આવ્યું. હવે પાછા આપણે અણહિલપુર પાટણના કરણઘેલા રાજાની ભેટ લઈએ અને જેટલી વાર આપણે તેનાથી આઘા હતા તેટલી વારમાં શા શા બનાવો બન્યા તેનું ટુંકમાં વર્ણન કરી આગળ શું બને છે તેથી વાંચનારાઓને વાકેફ કરીએ.

રૂપસુન્દરીનું હરણ થયું, કેશવ માર્યો ગયો, તેની સ્ત્રી ગુણસુન્દરી તેની પાછળ સતી થઈ, તથા માધવ રાજ્યમાંથી નાશી ગયો, એ સઘળા બનાવો એક વારે થયા તેથી શહેરના લોકોના મન ઉપર ઘણી જ અસર થઈ. જ્યાં જુઓ ત્યાં એની એ જ વાત થતી હતી, અને આગળ શું નિપજશે તે વિષે લોકોમાં ભારે દહેશત પેઠેલી હતી; અને તે કંઈક ખરી પણ પડી. ઉપલી સઘળી હકીકત બની ત્યાર પછી ત્રીજે દહાડે રાત્રે શેહેરમાં મોટી આગ લાગી, અને તેને જેમ જેમ છાંટતા ગયા તેમ તેમ બીજાં નવાં ઘરો સળગતાં ગયાં. લોકો ઘણા ભયભીત થયા, કેટલાએક લોકો કહેવા લાગ્યા કે, આ તો દેવકોપ