પૃષ્ઠ:Karanghelo.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૨૮ )

થયો. કેટલાએક બોલવા લાગ્યા કે અમે આકાશમાં ઉડતાં માણસોને આગ લગાડતાં જોયાં. આગ તો ઘણી મહેનતથી છંટાઈ, પણ એ બનાવ બનવામાં કાંઈ ચમત્કાર છે, એમ લોકોને થોડી વારમાં ખાતરી થઈ. કેટલાએક લોકોની બારીએ રાતની વખતે મોટા મોટા પથ્થરો અથડાયા; કેટલાએકનાં ઘરમાં રાંધેલું ધાન બદલાઇને નરક થઇ ગયું; કેટલાએકનાં ઘરમાં કુવાનાં પાણી બદલાઈને લોહે જેવાં થઈ ગયાં, રાત્રે મોટી મોટી ચીસો સંભળાવા લાગી; કોઇથી દીવા થયા પછી બહાર નીકળાય નહી. ઘણાએકનાં ઘરમાં બઈરીઓ ધુણવા લાગી; અને વારે વારે શહેરમાં આગ લાગ્યાં કરવા માંડી. એ પ્રમાણે પૂરમાં હાહાકાર થઈ રહ્યો. રાજાના મહેલમાં પણ ઘણી ઉથલપાથલ થઈ ગઈ, અને એક દહાડો કરણની માનીતી સ્ત્રી જાંજમીર તળાજાની ફુલારાણી ઘણા જોસથી ધુણવા લાગી, તથા તેનામાં એટલું તો સામર્થ્ય આવ્યું કે ભલભલાની તેની પાસે જવાની હિમ્મત ચાલે નહી. સઘળાઓની હવે ખાતરી થઈ કે કોઈ મોટું જોરાવર ભૂત શેહેરમાં આવ્યું છે, અને તે સઘળાઓને આવી રીતે ઉપદ્રવ કરે છે. હવે ભુવા, જતિ વગેરે મંત્ર જાણનારાં લોકની રોજી જાગી. તેઓ ઠામે ઠામ ભૂતને બોલાવવા લાગ્યા; શેહેરના સઘળા દરવાજા ઉપર ખીલા ઠોક્યા; ચકલે ચકલે ઉતાર મૂક્યા, જગાએ જગાએ કાપેલાં તથા સિંદુર ચોપડેલાં લીંબુઓ રઝળતાં પડ્યાં, તથા ઘેરઘેર મંત્રેલા અડદના દાણા વેરાવા લાગ્યા. ઘણા લોકોએ ઘરમાં સરસિયાના દીવા બાળવા માંડ્યા; પણ ભૂત શેહેરમાંથી ગયું નહી, તથા તેની પીડા પણ ઓછી થઈ નહી. જ્યાં જ્યાં ભૂત ધુણાતું ત્યાં ત્યાં તે પોતાનું નામ બાબરો કહેતું હતું, તેથી આખા શેહેરમાં એક જ ભૂત છે એમ સાબિત થયું. લોકો ઘણા ત્રાસ પામ્યા અને સઘળે ઠેકાણે અને સઘળી વખતે એના એ જ વિષય ઉપર ચર્ચા ચાલી રહી. એક દહાડો સવારે શેહેરની આગળ એક કુવા ઉપર બઈરીઓ પાણી કાઢતી હતી તે વખતે એક દમ કુવામાં એક મોટો ધબાકો થયો, અને તે સાંભળતાં જ સઘળી બઈરીઓ જીવ લઈ નાશી ગઈ. તેઓમાંની એક કુવામાં પડી, અથવા તેને કોઈએ ફેંકી દીધી, એમ કહીએ તો ચાલે. લોકો ઘણા એકઠા