પૃષ્ઠ:Karanghelo.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૩૪ )

વધારે ભયંકર થઈ ગયો. પણ આ સઘળા સૃષ્ટિના ભયાનક દેખાવથી તે રજપૂતના મન ઉપર કાંઈ પણ અસર થઈ નહીં. તે તે પોતાનો જ૫ કર્યો જ ગયો. પણ ઘણી વાર સુધી તે કામ નિર્વિઘ્ને ચાલ્યું નહી. જે મુડદા ઉપર તે બેઠો હતો તે તેની નીચેથી હાલવા તથા થોડી વારમાં ઉછળવા લાગ્યું. મુડદા સાથે તે પણ ઉછળતો ગયો અને તેના પગ વડે તે મુડદાને એવી તે તેણે ચુડ ભેરવી કે તે તેની પાસેથી છટકી શકયું નહીં. જ્યારે આ પ્રમાણે તે નાસવાનું કરતું હતું, પણ તેનાથી નીકળી જવાતું ન હતું, તે વખતે ત્યાં ચીસાચીસ તથા બરડાબરાડ થઈ રહી. હજારો ભૂતો તેની આગળ નાચવા કુદવા લાગ્યાં; કેટલાંએક ખડખડ હસવા લાગ્યાં; કેટલાંએક તેને મારવા આવતાં હોય તેમ પાસે આવવા લાગ્યાં; કેટલાંએક આઘેથી ધમકી આપવા લાગ્યાં. કેટલાંએક મોટાં વિક્રાળ મ્હોડાં કરી તેને બીહવડાવતાં હતાં, ચુડેલો તથા વંત્રીઓ માથે ધગધગતા અંગારાવાળી સગડી લઈને ત્યાં શોરબકોર કરી રહી હતી; ઘણા જ ભયંકર રાક્ષસો, ભેંસાસુરો ઈત્યાદિ ત્યાં આવી તે રજપૂતને ખાઈ જવાનો પ્રયત્ન કરતા હતા. પણ તે સઘળું વ્યર્થ ગયું. રજપૂત મનમાંથી બીધો તો ખરો; તેના શરીર ઉપરના સઘળા નિમાળા ઉભા થયા; તેની ચામડી ઉપર મરતી વખતના જેવાં શીત આવ્યાં; આખે અંગે જાડો ચીકણો પરસેવો વેહેવા લાગ્યો; તથા છાતી પણ ઘણા જોરથી ધબકવા લાગી. કોઈ કોઈ વાર તેનાથી બુમ પાડી દેવાશે એમ તેને લાગ્યું. દોડવાની તો કયાંથી, પણ ત્યાંથી એક તસુ પણ ખસવાની તેનામાં શક્તિ રહી ન હતી. પણ તેણે પોતાનું મન આવે બારીક વખતે એવું સાવધ રાખ્યું કે તે તેનું કામ કરી શક્યો. તેના જપમાં ઘણી હરકત પડવા દીધી નહી. મુડદું વધારે જોરથી ઉંચે ઉછળવા લાગ્યું. ભૂતપ્રેતની ભયંકર ચીસો તથા જપના કામમાં ભંગાણ પાડવાની તેઓની મહેનત વધારે વધારે થતી ગઇ, પણ તે રજપૂતે પોતાની આંખ આંધળી તથા કાન બેહેરા જેવા કરી નાંખ્યા હતા તેથી તેણે તેઓની કાંઇ દરકાર કીધી નહી. તેણે બધી દિશાએ આગળથી એવો પાકો તથા મજબુત બંદોબસ્ત કરી રાખ્યો હતો કે એ સઘળાં મલિન પ્રાણીઓથી