પૃષ્ઠ:Karanghelo.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૩૫ )

તેની પાસે અવાતું ન હતું. એ પ્રમાણે ત્રણ કલાક કામ જારી રાખ્યું, અને પોતાનો મંત્ર એકસો ને આઠ વાર જપી રહ્યો.

મંત્ર જપાઈ ચુક્યો, અને તેની સાથે રાતનો અમલ પણ ઉતર્યો. અરૂણનો ઉદય થયો, દીવાનું તેજ ઝાંખું પડ્યું; વસ્તુઓ થોડી થોડી દેખાવા લાગી; અને આખી સૃષ્ટિનું રૂપ જાણે બદલાઇ ગયું. થોડીએક વાર થયાં વરસાદ બંધ પડ્યો હતો, વાદળાં વિખેરાઇ ગયાં હતાં; અને થોડો થોડો પવન વાતો હતો, તેથી એકાએક તેઓ એક પછી એક નાસાનાસ કરી રહ્યાં હતાં. વિજળી બંધ થયલી હતી, તથા ગર્જના સંભળાતી ન હતી. સઘળાં ઝાડપાન લીલાં કુંજાર જેવાં દેખાતાં હતાં. અને નાના પ્રકારનાં ફુલોમાંથી સુવાસ ચોમેર પથરાઈ રહેલો હતો. એવે સમયે તે રજપૂત દેહેરાની બહાર નીકળ્યો. તેણે તેની ખાંધ ઉપર સામાનની ઝોળી નાંખી હતી, અને એક લાકડી હાથમાં રાખી તે આગળ ચાલ્યો. તેણે કોઈ મોટું સંકટ ભોગવ્યું હોય, તેના માથા ઉપર કોઇ ભારે આફત આવી ગઈ હોય એમ તેનું મ્હોડું ફિકું, તેજ ઉડી ગયલું, તથા ચિંતાતુર દેખાતું હતું. પોતાનું ધારેલું કામ પાર પડ્યું, એ જાણીને તેના અન્તઃકરણમાં ઘણો આનંદ થયો હતો. તો પણ હજી સુધી ભયની અસર તેના મન ઉપર એટલી તે ચોંહોંટેલી હતી કે તે હર્ષને બહાર નીકળવાનો વખત મળ્યો ન હતો. તે ઘણા ઉંડા વિચારમાં પડી આસપાસ શું છે તે જોયા વગર મોટાં મોટાં ડગલાં ભરી ઝડપથી ચાલતો હતો. તેના મનની આવી અવસ્થા પણ ઘણી વાર ટકી નહી. શેહેરના કોટ આગળ તે જ્યારે આવી પહોંચ્યો ત્યારે એક કુવા આગળ એક બઈરી પાણી ભરતી હતી. તે વખતે તે રજપૂતને ઘણી જ તરસ લાગી હતી તેથી તેણે તે બઈરી પાસે જઈ પાણી માગવાનો ઠરાવ કીધો. તે તેની આગળ જઈ કેટલીક વાર ઉભો રહ્યો. પણ તે સ્ત્રીએ તેની સામે પણ જોયું નહી. આવી તેની બેપરવાઇથી રજપૂતને ઘણો ક્રોધ ચઢ્યો, અને તેણે બુમ પાડી પાણી માગ્યું. પણ કુવો સાંભળે તો તે સાંભળે. રજપૂતે ધાર્યું કે એ બઇરી બેહેરી હશે તેથી તેણે તેનો હાથ પકડ્યો, અને