પૃષ્ઠ:Karanghelo.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૩૬ )

તેને હલાવવા જાય છે એટલામાં તે બઈરી તાડ જેવી લાંબી થઇ ગઇ. રજપૂત તો તેને જોઈ ગગડી ગયો, અને તે એટલો તો ભય પામ્યો કે, તેનાથી એકે તરફ નસાયું નહી. થોડી વાર ઉભી રહી તે સ્ત્રી બોલીઃ “કેમ રે રજપૂતડા ! પાણી જોઈએ છે?” થોડી વારમાં તે રજપૂતમાં પાછી હિમ્મત આવી. એક બઈરીથી તે આટલો બીધો તેથી તેના મનમાં ઘણું શરમાયો, અને નામરદાઇનો કલંક ખસેડવાને તેણે જુસ્સાથી જવાબ દીધો: “રાંડ ! તું ગમે તે હોય તેથી હું કાંઈ બ્હીવાનો નથી. હું ક્ષત્રી બચ્ચો છું. મારા બાપદાદાઓએ મોટાં મોટાં યુદ્ધ કીધેલાં છે. તેઓ કોઈથી ડરતા નહતા. માટે જો હું તારા જેવી રેંજીપેંજીથી બીહું તો હું મારા બાપદાદાનો ખરો છોકરો નહી. ત્હારૂં માથું સ્વર્ગને અડકે, અને તારા પગ પાતાળે પહોંચે તો પણ તું આખરે અબળા અને હું તે રજપૂત શૂરવીર કહેવાઉં. માટે તું ગમે તેવો વેશ ધારણ કરશે, તું ગમે તેટલી લાંબી પહોળી થશે, અને ગમે તેટલા ચાળાચસકા કરશે, તો પણ હું લગાર ડરવાનો નથી. હું તારી પાસેથી ભલમનસાઈથી અથવા બળાત્કારે પણ પાણી પીશ. પછી જે થાય તે ખરૂં.”

પેલી સ્ત્રીને આ સઘળી વાત સાંભળીને ઘણી નવાઈ લાગી, અને તેના મનમાં તે પુરૂષનાં વખાણ કરવા લાગી. પણ હજી પણ વધારે તેની પરીક્ષા કરવાને તે બોલી :– “અલ્યા વેંહેંતિયા ! તું મારા હાથને તો પોહોંચાતો નથી ને બળાત્કારે પાણી તે શી રીતે લઈશ, એ જોવાની મને ઘણી જ ઈચ્છા છે.”

આખી રાત આથી વધારે ભયાનક દેખાવો જોયા, આથી વધારે બીહામણાં ભૂતપ્રેતથી બીધો નહીં, અને આ પ્રસંગે ડરવું એ તો બાયલાનું કામ, એમ જાણી તે રજપૂતે પોતાના હાથમાંની ડાંગ ફેરવીને એવા જોરથી તે સ્ત્રીના પગમાં મારી કે તે તુરત ભોંયપર ચત્તીપાટ પડી, તેનું રૂપ બદલાઈ એક સ્વર્ગની રંભા જેવું થઈ ગયું. તેની ખુબસુરતી ખરેખરી દેવાંગના જેવી દેખાઈ, અને તેની આંખમાંથી બોરઓર જેવડાં આંસુ પડવા લાગ્યાં, તો પણ તેનો પોતાનો એક હાથ લાંબો રાખી પાણીનું બેહેડું પકડી રાખ્યું, ફરીથી તેણે તેની પાસેથી