પૃષ્ઠ:Karanghelo.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૩૭ )

પાણી લેવાનું કીધું, પણ પાછો તેનો હાથ ઉંચો ચઢવા લાગ્યો. રજપૂત ઘણું આશ્ચર્ય પામ્યો, અને તેના હાથ ઉપર ડાંગનો એક બીજો ઘા મારીને બેહેડું નીચે પાડવાનો તેણે વિચાર કીધો પણ આવી નાજુક રૂપાળી સ્ત્રીનો કેવળ ગર્ભ જેવા હાથપર ઘા તે કેમ કરાય ? અબળા ઉપર હાથ કરવો એ ક્ષત્રીનો ધર્મ નથી, એમ જાણી તે ત્યાં ઉભો થઈ રહ્યો. તે સ્ત્રીએ તેના મનના વિચાર પારખ્યા અને તે ખરેખરો રજપૂતના નામને યોગ્ય છે, તથા તેણે કદી નહી જોયલો એવો તે નર છે, એવી તેની ખાતરી થઈ. પણ હજી તેને વધારે કસવાની તેની ધારણા હતી. તેણે તુરત પોતાનું રૂપ બદલ્યું અને એક છલંગ મારી રજપૂતની ગળચી પકડી તેને નીચે પાડ્યો. હવે કંઈ તે રૂપાળી નાજુક અબળા દેખાતી ન હતી, પણ તેનો દેખાવ એક બીહામણ રાક્ષસ જેવો હતો. હવે દયા લાવવાને વખત ન હતો. હવે હાથ બંધ રાખવાની જરૂર ન હતી. તેણે તે રાક્ષસનો હાથ છોડવવાને ઘણી મેહેનત કીધી, પણ વ્યર્થ ગઈ. ગળું વધારે વધારે દબાવા લાગ્યું, અને શ્વાસના રોકાણથી તેને એટલો ગુંગળાટ થયો કે તેની આવરદાની દોરી હમણાં તુટશે, એમ તેને નક્કી થયું. તેણે તેની આગળ યમના દૂત જોયા, એને તેના આત્માને પકડી જનારાં પોતાનું કામ જલદીથી કરી નાંખવાને તૈયારી કરતા હોય એમ તેને લાગ્યું; તેના હોંશ તો સઘળા ઉડી ગયા હતા, પણ કુદરતે છેલ્લો બચાવ કરવાને વાસ્તે પોતાનું સઘળું સામર્થ્ય વાપર્યું. તેણે આ છેલ્લી વખતે એટલું તો જોર કીધું કે તે સ્ત્રીનો હાથ છટકાવી દીધો. અને એક છલંગ મારી તે તેના ઉપર ચઢી બેઠો, પાછું તે સ્ત્રીનું રૂપ બદલાઈ અપ્સરા જેવું થઈ ગયું, પણ આ વખતે તેના હાથમાંનું બેહેડું મુદ્દલ જોવામાં આવ્યું નહી, તે રજપૂતે આ વખતે તેના અનુપમ રૂપ સામું જોયું નહીં; આ વખતે તેને તેના ઉપર દયા આવી નહી, અને આ વખતે તેણે પોતાના ક્ષત્રીધર્મ ઉપર વિચાર કીધો નહી. ઉપર ચઢી બેસતાં જ તેણે તે સ્ત્રીનો ટોટો એવા જોરથી દાબ્યો કે તેના શરીરનું તમામ લોહી તેના મ્હોં ઉપર પથરાઈ ગયું.