પૃષ્ઠ:Karanghelo.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૩૮ )

તે સ્ત્રીનો મરણકાળ હવે પાસે આવ્યો, એમ જણાયું; તેની જીભ તેના મ્હોંમાંથી બહાર નીકળી પડી, તેના મ્હોંમાંથી ફીણના ગોટેગોટા નીકળવા લાગ્યા, તેની આંખોના ડોળા બહાર લબડી ગયા; તથા તેને આખે શરીરે આચકા આવવા માંડ્યા. આવી વખતે જ્યારે તે રજપૂતને ખાત્રી થઈ કે હવે રાંડનું મોત પાસે આવ્યું તે વખતે તે સાપની પેઠે તેની પાસેથી છટકી ગઈ, અને તેની સામે પોતાના અસલ રૂપમાં આવી ઉભી રહી, રજપૂત તેને જોઈ ઘણું ચીડાયો. અને તે કોઈ દેવલોકની રંભા છે એમ તેણે નક્કી જાણ્યું. થોડી વાર ચુપ રહ્યા પછી તે સ્ત્રી બોલી: “અલ્યા રજપૂત ! તને ધન્ય છે. તું ખરેખરો ક્ષત્રીવંશનો છે. હું ઘણાં વર્ષ થયાં કોઈ શુરા રજપૂતને શોધું છું, પણ અત્યાર સુધી તેવો મને જડ્યો ન હતો. હમણાં મ્હારી ખાતરી થાય છે કે જેવો મ્હારે જોઈએ છે તેવો જ તું છે, તું મ્હને હજી ઓળખતો નથી. આટલી વારમાં તારી ખાતરી તો થઈ હશે કે હું કાંઈ આ લોકની સ્ત્રી નથી, હું અંબાભવાનીની એક જોગણી છું. હું એક શક્તિ છું. પણ માનવીઓનો સંસાર કેવો છે તે જાણવા સારૂં હું પૃથ્વી ઉપર ઘણી મુદત થયા ફર્યા કરૂં છું. મારે કોઇ વર વરવાની ઈચ્છા છે, અને તારા જેવો મને ધણી મળે તો હું ઘણો સંતોષ પામું. માટે હું તારા ઉપર પ્રસન્ન થઈ છું, અને તારે ઘેર આવી તારી પરણેલી સ્ત્રી તરીકે રહેવાને ખુશી છું. માટે મારી વિનંતિ કબુલ રાખી મારી સાથે હમણાં જ લગ્ન કર, એટલે હું તને કશી વાતે ખોટ પડવા દઈશ નહી, તથા બધી રીતે તને સુખી કરીશ.”

તે રજપુત, શક્તિની આ સઘળી વાત સાંભળીને ઘણો હરખાયો, તથા જ્યારે લક્ષ્મી ચાંલ્લો કરવા આવી ત્યારે મ્હોડું ધોવા જવું એ મૂર્ખાઈનું કામ, એમ ધારી તે તેને પગે પડ્યો, અને મોટા હર્ષની સાથે તેણે તેનો હાથ પકડ્યો. તેણે જાણ્યું કે હવે ખરેખરે મારા ભાગ્યનો ઉદય થયો; હવે મારા ઉપર પરમેશ્વર રાજી થયા; હવે મ્હારૂં ધારેલું કામ પાર પડશે, અને હવે મને કોઈ રીતે દુ:ખ થશે નહી. રજપુત તથા શક્તિ બંને ઉતારે ગયાં, અને પછી તે પોતાને વાસ્તે એક મોટું ઘર ભાડે રાખવા શહેરમાં ફરવા ગયો. કેટલીએક પુછપરછ