પૃષ્ઠ:Karanghelo.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૪૦ )

રાજાની માની બેહેન હતી. એ ઉપરથી તને હવે નક્કી થયું હશે કે મ્હારૂં કૂળ નીચું નથી. હું રાજાનો છોકરો છું અને કરણ રાજાનો માશીનો દીકરો ભાઈ થાઉં છું પણ એટલા જ ઉપરથી હું કાંઈ આબરૂ માનતો નથી. રાજાનો છોકરો તો કોઈ મૂઢ પણ હોય, અને કરણની માશીનો છોકરો તો કોઈ કાયર, અધમ પુરૂષ પણ હોય. હું મારા દાદાની વાતથી શરૂ કરી મારા બાપની હકીકત કહી સંભળાવીશ, અને તેઓએ કેવાં પરાક્રમ કીધાં છે તે તને બતાવીશ. હજી મારી ઉમર નાની છે અને મ્હારું શૂરાતન દેખાડવાનો વખત આવ્યો નથી, તથા કાંઈ પરાક્રમ કરી નામ મેળવવાનો હજી પ્રસંગ પડ્યો નથી, તોપણ મને નક્કી છે કે સિંહનાં બચ્ચાં તો સિંહ જેવાં જ નીવડે, કહેવત છે કે “મોરનાં ઇંડાં ચિતરવાં ન પડે.” માટે જ્યારે વખત આવશે ત્યારે હું પણ મોટું નામ મેળવી મારા બાપદાદાના નામને વધારે ઝેબ આપીશ. બાપ કરતાં બેટો સવાયો ન નીકળું તે મ્હારૂં નામ : હરપાળ નહીં. હવે હું મ્હારું ટાહેલું ચલાવું છું. મારો દાદો નામે વેહિયાસ કચ્છમાં કિરંતીગઢમાં રાજ્ય કરતો હતો, તે રાજ્ય તેના બાપ દાદાથી તેને ઉતરેલું હતું, અને તેઓ મકવાણા કહેવાતા હતા. જ્યારે મારા દાદાનો અંતકાળ પાસે આવ્યો ત્યારે તેનો જીવ કેમે કર્યો જાય નહી, તેનાં છોકરાં તથા સગાંવહાલાંઓએ ઘણીક બાધા લીધી, તથા કેટલાંએક વ્રત કરવાનું વચન આપ્યું, પણ કાંઈવળ્યું નહી, ત્યારે તેના છોકરા કેસરે તેને પૂછયું: “બાપા ! તમારો આત્મા તમારો દેહ શા માટે છોડતો નથી? તમારા મનમાં જે હોય તે મને કહી દો, અને હું જો તમારા પેટનો હોઈશ તો ગમે તેમ કરી તમારી મરતી વખતની આજ્ઞા બજાવીશ.” ત્યારે વેહિયાસે જવાબ દીધો; “સામૈયું કરીને એક શેહેર છે, તેમાં મારો કટ્ટો શત્રુ હમીર સુમરો રાજ્ય કરે છે. જે તેની ઘોડારમાંથી તેના સવાસો ઘોડા લઈ આવી ત્રયોદશાને દિવસે ભાટ લોકોને બક્ષીસ કરવાનું વચન આપો તો જ મારો જીવ જાય.” તે વખતે વેહિયાસના ભાઈઓ તથા ભત્રીજા તેની આસપાસ ઉભા હતા, પણ તેઓમાંથી કોઈએ જવાબ આપ્યો નહી. તે વેળા કેસરની વય કાચી હતી તે પણ તે મેદાન પડ્યો, અને આગળ આવી