પૃષ્ઠ:Karanghelo.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૪૨ )

તેઓને ખેંચી ગયો, અને તેઓની સાથે સવાસો સુમરી સ્ત્રીઓને પણ તે લઈ ગયો. હવે હમીર જાગ્યો, અને તેણે કિરંતીગઢમાં પોતાનાં પ્રધાનને મોકલ્યો. એ પ્રધાને આવી કેસરને કહ્યું કે જે સ્ત્રીઓને તમે લઈ આવ્યા તે સઘળી હમીર રાજાની વહુ તથા બેન છે અને હમણાં તેઓ તમારે ઘેર આવેલાં છે, માટે જેમ પીહેરથી સાસરે વળાવેલી સ્ત્રીઓને પૈસા, લુગડાં સાથે મોકલવામાં આવે છે તેમ તમારે પણ તેઓને તે પ્રમાણે વળાવવાં જોઈએ. પ્રધાનનું આ બોલવું સાંભળીને કેસર ખડખડ હસ્યો, અને બોલ્યો કે એ સ્ત્રીઓ તો હવે અમારી મિલકત થઈ ચુકી, માટે તેમને પાછી આપવામાં આવશે નહીં. એ સઘળી તો હવે મારી ધણિયાણી થઈ, આ જવાબ લઈને પ્રધાન સામૈયુ ગયો. પછી કેસરના જેટલા સગા કિરંતીગઢમાં હતા તેઓ સઘળાને તેણે તેડાવ્યા, અને એકેકને એક સુમરી સ્ત્રી આપી દીધી. પોતાને વાસ્તે તેણે ચાર રાખી, અને બીજી ઘણી તેને રાણી હતી તેમાં ઉમેરો કીધો. એ પ્રમાણે દશ બાર વર્ષ વહી ગયાં, પણ લડાઈ બંધ પડી નહીં એટલા વખતમાં તેને તથા તેના પિત્રાઈને સુમરી સ્ત્રીઓને પેટે અઢાર દીકરા જન્મ્યા. કેસરને ફરી લડાઈ કરવાનું મન થઈ આવ્યું, ત્યારે તેણે હમીરને કહેણ મોકલ્યું, અત્યાર સુધી જ્યારે જ્યારે કેસર હમીરને કેહેતો કે, 'આવ, પડોસી લડીએ', ત્યારે હમીર જવાબ દેતો કે લડે મારી બલા, પણ આ વખતે તો તેણે કેસરને કહેવડાવ્યું કે તારી સાથે યુદ્ધ કરવા આવવાનું મને ઘણું મન થાય છે, પણ કિરંતીગઢના રાજ્યમાં ખાર સિવાય બીજું કાંઈ નથી, ત્યારે ત્યાં આવ્યા પછી મારા લશ્કરને ખાવાનું કયાંથી મળે એ મને મોટી ફિકર છે. આવું કેહેણ જયારે હમીરે મોકલ્યું ત્યારે તેના જવાબમાં કેસરે કહેવડાવ્યું કે જો તું મારા રાજ્યમાં આવશે તો તારા લશ્કરના ખોરાકને વાસ્તે હું એક હજાર વીંઘા જમીનમાં ઘઉં રોપાવીશ. પછી હમીર એક મોટું લશ્કર લઈ કિરંતીગઢ તરફ આવ્યો, અને તેની તથા કેસરની વચ્ચે ઘણી લડાઈ થઈ. ઘણા રજપૂતોના પ્રાણ ગયા, અને ઘણીએક રીતે આખા રાજ્યની ખરાબી થઈ આખરે એક મોટી લડાઈ થઈ તેમાં કેસર પાતે, તથા મારા સિવાય તેના સઘળા છોકરા માર્યા ગયા.