પૃષ્ઠ:Karanghelo.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૪૮ )

તે છેક નિરાશ થઈ ગયો હતો, તથા તેનું કાંઈ ચલણ રહ્યું નહતું, તેથી તે સીસામાં ઉતર્યો. પછી તેને બંધ કરી તે ઉપર લાખ ચોડી મંત્ર ભણીને છાપ મારી, અને તે સીસો લઈ કરણ રાજાની આગળ આવી ઉભો રહ્યો. અત્યાર સુધી જે જે હકીકત બની તે સઘળાથી કરણ વાકેફ થયો હતો, અને તેનો હર્ષ ઉભરાઇ જતો હતો; તે હરપાળને પગે પડ્યો, અને તે જેટલા રૂપિયા માગે તેટલા આપવાનું તેણે કબુલ કીધું.

હવે હરપાળને બોલવાનો વખત આવ્યો. તે હાથ જોડી રાજા આગળ ઉભો રહ્યો, અને પોતાની સઘળી વાત તેણે અથથી ઈતિ સુધી કહી. આ વાત સાંભળીને કરણને ઘણું આશ્ચર્ય લાગ્યું, અને કેટલીએક વાર સુધી તે તેણે તે સાચી માની નહીં. જ્યારે હરપાળે કસમ ખાઈને તેની ખાત્રી કીધી ત્યારે કરણને ઘણોજ આનંદ થયો, અને આંખમાં હર્ષનાં આંસુ લાવી તેને ભેટી પડ્યો. મહેલમાં સઘળે તે વાત પથરાઈ, અને ત્યાંથી સઘળા સમાચાર શહેરમાં ફેલાયા. ઘેર ઘેર આનંદ થઈ રહ્યો, અને કરણના માશીના દીકરા હરપાળે બાબરા ભૂતને શહેર બહાર કાઢ્યો તેથી લોકો ઘણા ખુશ થયા. એક મોટી સવારી કાઢી સીસાને આખા શહેરમાં ફેરવ્યો અને તેને ગુજરાતની સરહદ બહાર મોકલાવી દીધો. પછી કરણે હરપાળને એક મોટો સરપાવ આપ્યો, તેને પોતાના દરબારમાં સામંત કરી ઠેરવ્યો અને પોતાની સાથે મહેલમાં તેને રાખવાનો ઘણો આગ્રહ કીધો. પણ હરપાળે પોતાની નવી સ્ત્રીની સાથે જુદા ઘરમાં રહેવાની ખુશી જણાવી તે ઉપરથી રાજાનો એક બીજો મહેલ શહેરમાં હતો તે તેને સ્વાધીન કીધો; અને તેને ઘણી ધામધુમ સાથે તેના નવા ઘરમાં વદાય કીધો.