પૃષ્ઠ:Karanghelo.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૪૯ )


પ્રકરણ ૮ મું.


બાબરા ભૂતના ત્રાસથી તથા ઉપદ્રવથી કરણ રાજા, ફુલારાણી તથા રાજમહેલના સઘળા લોકો, અને પાટણના સર્વ રહેવાસીઓ છુટ્યા, તેથી બેસતા વર્ષને દહાડે સઘળે આનંદ થઈ રહ્યો. ઘેરઘેર ખરી દીવાળી તો તે જ દહાડે થઈ, અને લોકો ઘણાં ઉમંગથી સવારના પહોરમાં એક બીજાને જુહાર કરવા, બોહોણી લેવા તથા અન્યોન્ય ભેટ લેવા ઘણાં ઊંચા વસ્ત્ર પહેરીને નીકળ્યા. તે વખતે પોતાના મહેલમાં હરપાળ તથા શક્તિ દેવી ઉલ્લાસથી વાત કરતાં હતાં, રાજાના દરબારમાં જવાની તૈયારી કરવામાં પડ્યાં હતાં, તથા કરણ રાજા જો કાંઈ ઈનામ આપવાનું કહે તો શું માગવું તે વિષે ખાનગી ગોઠડી કરતાં હતાં.

આસરે દોહોડ પોહોર દહાડે દરબાર ભરાવા લાગ્યું. દશેરાને દહાડે જેઓ મળ્યા હતા તેઓની સાથે આ વખતે પુરના મુખ્ય વ્યાપારીઓ તથા બીજા શ્રીમંત લોકો પણ દરબારમાં બિરાજેલા હતા. હરપાળ પણ ઘણાં ભભકાદાર લુગડાં પહેરીને આવ્યો. તેને રાજાએ પોતાના જમણા હાથ તરફ પાસે બેસાડ્યો. જુહારનું તથા તે દહાડાનું બીજું કામ થઈ રહ્યા પછી કરણે હરપાળની તરફ જોયું, તેણે જે મહાભારત કામ કીધું તેને માટે તેને શાબાશી સાથે ઉપકાર માન્યો, અને એ કામનો ઘટતો બદલો તો તે આપી શકે તેમ નહતું તથાપિ જે કાંઈ તે માગે તે ઘણી ખુશીથી તેને આપવાનું તેણે કબુલ કીધું, હરપાળે ઉઠી રાજાને સાષ્ટાંગ દંડવત્ કીધા, અને હાથ જોડી એટલું જ માગી લીધું કે એક રાતમાં જેટલાં ગામ ઉપર તોરણ બંધાય તે સઘળાં મને ઈનામમાં આપવાં.

હરપાળ એટલું જ માગશે એમ કરણને આશા નહતી; એથી વધારે ઇનામ માગી લેશે એમ તેને ફિકર હતી. પણ હમણાં જ્યારે તેણે હરપાળની વિનંતી સાંભળી ત્યારે તે ઘણોજ ખુશ થયો, અને એક રાતમાં તો ઘણાંજ થોડાં ગામો પર તોરણ બંધાઈ શકાશે, એમ ધારી તેણે તેની