પૃષ્ઠ:Karanghelo.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૫૦ )

અરજ તુરત કબુલ કીધી. દરબાર બરખાસ્ત થયા પછી હરપળ પોતાને ઘેર ગયો, અને સઘળું બન્યું હતું તે પોતાની વહુને કહ્યું. હવે રાત્રે જેમ બને તેમ વધારે ગામો ઉપર તોરણ બાંધી શકાય એવી ગોઠવણ કરવાના કામને વાસ્તે એકલી શક્તિ દેવી બસ હતી. પણ માત્ર તેમનાથી જ તે કામ મનમાનતી રીતે થઈ શકશે એવો પાકો ભરોસો હરપાળને આવ્યો નહી. થોડેએક વિચાર કીધા પછી તેને બાબરો ભૂત યાદ આવ્યો. જ્યારે જરૂર પડે ત્યારે તેને મદદ કરવાનું ભૂતે કબુલ કીધું હતું, અને વળી જો તેને કાંઈ કામ સોંપવામાં નહી આવે તો તે તેને ખાઈ જશે એવી તેની સાથે શરત થઈ હતી. તેથી બાબરાને એકદમ બોલાવી મંગાવી તેને પણ શક્તિની સાથે સામેલ રાખવો એવો તેણે ઠરાવ કીધો. બાબરાનું ધ્યાન ધરતાં જ તે તુરત હરપાળ આગળ આવી ઉભો રહ્યો, અને તેની સઘળી વાત સાંભળી લીધી. એક તો તે હરપાળને પૂરતી રીતે મદદ કરવાને બંધાયલો હતો, અને બીજું તેને વધારે મદદ કરવાથી કરણનું નુકસાન વધારે થશે, અને તેથી તેના મનનું ધારેલું વેર કંઈક લેવાશે એ બંને વિચારથી તે ઘણો ખુશ થયો, અને દીવા થતે પોતાની સાથે બીજા મદદગાર ભૂતોને લઈને હાજર થવાને વચન આપ્યું. કબુલ કીધેલે વખતે તે સવા લાખ ભૂતને તેડીને આવ્યો, અને શક્તિદેવીને સાથે લઈ તેઓ સઘળાં તોરણ બાંધવા નીકળ્યાં.

બીજે દહાડે સવારે કરણે પોતાના પ્રધાનને એક સાંઢણી આપીને કેટલાં ગામે ઉપર તોરણ બંધાયાં તેની તપાસ કરવાને મોકલ્યો. આગળ જતાં માલમ પડ્યું કે પહેલું તોરણ પાટડી ઉપર રાત્રે નવ વાગતે બંધાયું, પછી તેના તાબાનાં છસો ગામો ઉપર તોરણ બંધાયાં, અને સવારના ચાર વાગતાં સુધીમાં કુલ બે હજાર ગામો ઉપર તોરણ બંધાયાં. પ્રધાન ઘણો ગભરાયો, અને ધાર્યું કે આ તો હરપાળે ગજબ કર્યો. તેણે તે ગામોની એક ટીપ કીધી, એને કરણને આપી, એ ટીપ વાંચીને તેને જે ક્રોધ ચડ્યો, તથા આશ્ચર્ય લાગ્યું તેનો વિચાર માત્ર કરી લેવો. બે હજાર ગામ ઇનામમાં આપવાં ! શું બાબરા ભુતને કાઢવાને બે હજાર ગામનું ઈનામ ? અરે કેશવને