પૃષ્ઠ:Karanghelo.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૫૧ )

મારતાં બે કોડી પણ ખર્ચ થયો નથી, અને તેના મરી ગયા પછી તેના ભૂતને ગામ બહાર કાઢવાને આટલી મોટી બક્ષિશ કરવી ? ગુજરાતના કોઈ પણ રાજાએ આટલી મોટી જાગીર કોઈને આપી નથી, કોઈ પણ રાજાએ પોતાના પ્રાણ બચાવનારને પણ આટલું મોટું ઈનામ આપી દીધું નથી, તો આજે એક પ્રેતને શહેર બહાર હાંકી કાઢનારને મારે આટલું ઈનામ આપવું પડે છે ? હું વચનથી બંધાયો છું; મેં મારો કોલ આપ્યો છે, અને રાજાનું વચન કદી પણ મિથ્યા થવું ન જોઈએ. વળી હરપાળ મારી માશીને દીકરો છે તેથી એને આપવાથી મને જરા સંતોષ થાય છે. હવે ગમે તેમ મન વાળવું ખરું પૂછો તે મારા દહાડા જ વાંકા બેઠા છે, અને મારા સઘળા ગ્રહો એ ગામ જવા માંડ્યું છે, અને મારી દુર્દશા થવાનો સમય પાસે આવતો જાય છે. હવે, વધારે વિચાર કરવાથી સારું ફળ નથી, માટે બક્ષિશનામા ઉપર સહીમોહોર કરી આપવાં.

તે જ દહાડે રાત્રે કરણ જયારે ફુલારાણીના મેહેલમાં ગયો ત્યારે તેની ઉદાસ વૃત્તિ જોઈને રાણી ઘણી જ દિલગીર થઈ. ભૂતનો ઉપદ્રવ મટવાથી તે ઘણી જ ખુશ થઈ હતી, અને આ રાત તેણે તેના ધણી સાથે આનંદમાં કાઢવાનો ઠરાવ કીધો હતો, પણ કરણના મ્હોડાએ તેના ઉલ્લાસ ઉપર ટાઢું પાણી રેડ્યું. પોતાના સ્વામીની દિલગીરીનું શું કારણ છે તેની તજવીજ રાણીએ કરવા માંડી, પણ ઘણીએક વાર સુધી કરણે તેની આગળ પોતાનું મન ખોલ્યું નહી, પણ સ્ત્રીહઠ આગળ પુરૂષ ઘણી વાર લાચાર થઈ જાય છે તેમ કરણ પણ આ વખતે થયો, તેને પોતાની મરજી ઉપરાંત તેની સ્ત્રી આગળ પોતાના ખેદનું ખરું કારણ બતાવવાની જરૂર પડી, ફુલાદેવી સઘળી વાત સાંભળીને ઘણું આશ્ચર્ય પામી, પણ રજપૂતાણી તેના ડહાપણ તથા સમયસૂચકતાને માટે પ્રસિદ્ધ છે. તેને એક ઉપાય તુરત સુઝ્યો, અને તે બોલી: “મારા સ્વામી ! તમે જરા પણ એ વિષે ફિકર રાખશો માં. હું હરપાળની દૂરની સગી થાઊં છું, તે મને બેન કહે છે, માટે આવતી બળેવે જ્યારે તેને રાખડી બાંધીશ, ત્યારે તેમાંથી ઘણાંએક ગામ માંગી લઈશ.” કરણ આ તદબીર સાંભળીને હરખાયો તો