પૃષ્ઠ:Karanghelo.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૯ )

મતિ કાંઈ બદલાઈ હોય એમ મને લાગે છે, અને જ્યારે આપ જેવા પુરુષની મતિ બદલાઈ ત્યારે આગળ કાળ કેવો આવશે તેનો મોટો ભય રહે છે, જે મોટી આદ્યશક્તિ, જેથી આખા વિશ્વની ઉત્પત્તિ, એવી અંબાભવાની તથા સઘળા જગતની માતા તેના હવનમાં મેં જાણી જોઈને ગફલત કીધી એવી શંકા પણ મારી આખી જીદગીમાં આજે જ મારે માટે આવી છે. તમે જાણો છો કે જગતમાં જે સઘળા દેવો છે તેઓ કળિયુગમાં ઉંઘી ગયેલા છે, જાગતીજોત અંબામાતા છે, તેનો પરતો કેટલો છે તે સઘળાને માલમ પડે છે. માતાનાં રૂપ જુદે જુદે વખતે જુદાં જુદાં દેખાય છે, એ સિવાય બીજા ઘણા ચમત્કાર ત્યાં જોવામાં આવે છે. અમથા અપશબ્દ બોલવામાં પાપ છે ખરૂં પણ માતાની આગળ ભવાઈ કરતી વેળા નિર્લજ શબ્દો બોલવામાં જાત્રાળુઓ પાપ ગણતા નથી. આપણા લોકોના ધર્મમાં મદ્યપાન કરવાનો પ્રતિબંધ કીધેલો છે, છતાં પણ દેવીભક્તો તેનું પાન કરે છે. વળી કોઈપણ પ્રકારની હિંસામાં મોટામાં મોટું પાતક આપણા ધર્મશાસ્ત્રમાં ગણેલું છે; તો પણ માતાના ધામમાં બકરાં, મુરઘાં, પાડા વિગેરેનું બળિદાન કરવામાં આવે છે, અને તેથી પણ વધારે આશ્ચર્યકારક વાત એ છે કે, એ પ્રમાણે વધ કીધેલાં પ્રાણી પ્રસાદની માફક વહેંચી લેવામાં આવે છે, અને ઘણાએક શખ્સો જેઓ બીજે કોઈપણ વખતે માંસ ભક્ષણ કરતા નથી તેઓ આવે પ્રસંગે દેવીને પ્રસન્ન કરવાને માટે પોતાના બાપદાદાનો સંપ્રદાય તોડે છે, અને ધર્મશાસ્ત્રને પણ એક બાજુએ મુકે છે. અંબાભવાનીની યાત્રા કરવા લોક જાય છે ત્યારે તેઓને કેટલી હોંશિયારી રાખવી પડે છે ? તેલ તો ત્યાં મુદ્દલ વપરાય જ નહી. માતાના ધામ આગળ કોઈ દુરાચરણે વર્તે તો તેનાં માઠાં ફળ તેને તત્કાળ મળ્યા વિના રહે જ નહી, માતાના કામમાં વર્ષોવર્ષ જે પ્રમાણે કરવામાં આવતું હોય તેમાં જો જરા પણ ફેરફાર કીધો તો માતાજી કોપાયમાન થાય છે, અને એ પ્રમાણે કરોઠું બદલનારને કોઈપણ પ્રકારે શિક્ષા થયા વિના રહેતી નથી. નવરાત્રી નવ દહાડા સમી સંધ્યાએ માતાજી પોતાની સહિયરોને સાથે લઈ રથમાં બેસી આકાશમાર્ગે જાય છે, તે વખતે ઉઘાડે માથે જો કોઈ અગાસી,