પૃષ્ઠ:Karanghelo.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૫૪ )

પશ્ચાત્તાપ તથા અંત:કરણને ભારે કષ્ટ થતું તેની તે કલ્પના જ માત્ર થઈ શકે. એવું મહાભારત દુ:ખ તેને સહેવું પડ્યું, અને તેની અસર તેના શરીર તથા મન ઉપર પણ જણાઈ આવી. આગળ તેનું જે બળવાન શરીર હતું તે ધીમેધીમે ઘસાવા લાગ્યું. તેનું લોહી લાલચોળ હતું તે ફિકું પડવા લાગ્યું, તેના ગાલ બેસી ગયા. તેની આંખ ઉંડી ખાડામાં પેસવા લાગી. તેનો ચહેરો આગળ જે નિશ્ચિંત તથા હસમુખો હતો તે ઉપર ચિંતા આવી બેઠી, અને તે ઉંડા વિચારમાં પડેલો હોય એમ હમેશાં દેખાવા લાગ્યો. તેની રાણીઓએ તેને અંગમોહથી, ચતુરાઈથી, તથા બાહ્ય વસ્તુઓની સહાયતાથી દિલગીરીમાંથી કાઢવાને ઘણા પ્રયત્નો કીધા, પણ સઘળા વ્યર્થ ગયા. જે રૂપસુન્દરીને વાસ્તે તેના ઉપર આ સઘળું દુ:ખ આવી પડ્યું, જેને વાસ્તે તેણે આ લોકમાં અપજશનો ગાંસડો બાંધ્યો, અને પોતાના રાજ્યને તથા શરીરને જોખમમાં નાંખ્યું, જે રૂપસુન્દરીને વાસ્તે તેણે પોતાના અમર આત્માને અક્ષય દુઃખના ખાડામાં નાંખ્યો, અને આ ક્ષણભંગુર જગતમાં હલકી જાતનું અનિશ્ચિત સુખ મેળવવામાં પરલોકમાંના સર્વોત્કૃષ્ટ, અમર્યાદ, અનંતકાળ સુધી પહોંચે એવાં અચળ સુખ ઉપરથી હાથ ઉઠાવ્યો, તે રૂપસુંદરીને પણ એક ખુણામાં રહેવા દીધી, અને તેની અપ્સરા જેવી કાન્તિ તથા પરી જેવા વદનને જોવાથી જે અપાર સંતોષની તે આશા રાખતો હતો, તે પુરી ન પડતાં ઉલટી તે નજરે પડતાં જ, બલકે તેનો વિચાર મનમાં આવતાં જ, તેને ઘણો જ સંતાપ ઉપજવા લાગ્યો. હાય હાય ! રૂપસુન્દરી ! રાજાની સાથે સમાધાન કરતી વખતે તેણે તેને મોટાં મોટાં સુખની જે આશા આપી હતી તથા પોતાની પટરાણી કરવાનું તેણે જે વચન આપ્યું હતું તે સઘળું પાણીના પરપોટાની પેઠે ફુટી ગયું, તું રાજ્ય મહેલના એક ખુણામાં પડી રહી, અને રાજાએ તને ન માની, એટલે આખા મહેલમાં તું શૂન્ય જેવી થઈ પડી.

માણસનું મન કેવું ચળ તથા અનિશ્ચિત છે ! જ્યાં સુધી તેને કોઈ વસ્તુ મળી નથી ત્યાં સુધી તેના ઉપર તેને અતિ ઘણો મોહ રહે છે, એને તે તેને મેળવવાને તન, મન, અને ધન સઘળું અર્પણ