પૃષ્ઠ:Karanghelo.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૫૫ )

કરવાને તૈયાર થાય છે, અને મળ્યા પછી કેવું જતન કરી તેનો કેવો ઉપભેાગ કરીશ, તે વિના મારાથી એક ઘડી પણ જીવાશે નહી, અને આટલા દહાડા તે વગર ચાલ્યું એ કેવું આશ્ચર્ય, એવા અનેક વિચાર કરે છે. પણ તે એક વાર મળી એટલે તે તુચ્છ જેવી તેને દેખાય છે, તેની કિંમત પાણીના રેલાની પેઠે ઉતરી જાય છે, અને જે આઘેથી હીરો દેખાતો હતો તે પાસે આવવાથી એક કાચનો કડકો ઠર્યો તેથી તે બીજી નકામી વસ્તુઓમાં ભળી જાય છે, અને જેમ એક નાનું છોકરું રડીને એક રમકડું લે છે, અને તે મુકી બીજાને લેવાનું કરે છે, તેમ તેનું મન તે વાત ઉપરથી બીજી નવી વાત ઉપર દોડે છે. એ પ્રમાણે ફોકટ શ્રમ કરવામાં તેનું આખું આયુષ્ય વહી જાય છે, અને જે સુખ મેળવવાને તે તેનો અમૂલ્ય અવતાર અર્પણ કરે છે તે સુખ એક ભૂતના તાપણાની પેઠે આઘું જ જતું જાય છે.

કરણ રાજાને એ પ્રમાણે જ થયું. તેની જીંદગીના રસ્તા ઉપર તોફાન તથા અન્ધકાર આગળ આવવાનાં છે એમ તે જાણતો નહતો, તો પણ જેટલું દર્દ તેને હમણાં લાગતું હતું તે એટલું તો તીવ્ર હતું કે તે પોતાની જીંદગીથી છેક કંટાળી ગયો, અને દુ:ખની સામા થવાને તથા પાછું હડસેલવાને જુવાનીમાં જે ગુણ હોય છે તે તેનામાં દબાઈ ગયલો, તેથી પૂર્વે કેટલાએક રાજાએ એ કીધું હતું તે પ્રમાણે દુનિયાનો ત્યાગ કરી કોઈ પવિત્ર સ્થળે જઈ એકાંતવાસ કરી જગતની ચિંતાથી વિરક્ત થઈને પરમેશ્વરની ભક્તિમાં બાકી રહેલો આવરદા કાઢવાનો તેણે નિશ્ચય કર્યો. પણ હજુ તેનું મન સંસારની માયાની જાળમાંથી છુટું થયું નહતું, હજી તે સંસારના મોહથી છેક કાયર થયો નહોતો; હજુ તેના મનમાં રાજ્યપાટ ચલાવવાની, વિષયાદિ સુખ ભોગવવાની ઈચ્છા પ્રબળ હતી, તેથી દુનિયાનો ત્યાગ તેનાથી થયો નહીં. હમણાંનું દુ:ખ જલદીથી જતું રહેશે, આગળ ઘણું સુખ થશે, મનને વિષે જે અંધકાર, હમણાં આવીને ઠસેલો છે, તે વેરાઈ જઈને ત્યાં ભરપુર અજવાળું પ્રકાશશે એની તેને આશા હતી, અને એ આશાને જેશી લોક ઉત્તેજન આપતા હતા, તેના મહેલમાં રોજ રોજ