પૃષ્ઠ:Karanghelo.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૫૭ )

હતું, વર્તમાન કાળને લગતું નહતું, તેથી જોશીઓ સિવાય બીજા લોકોનું પણ તેને કામ પડ્યું. દરરોજ પુરાણીઓ એના જેવી અવસ્થામાં આવી પડેલા તથા ત્યાર પછી સુખી થયેલા રાજાઓની કથા કરી દૃષ્ટાંતરૂપી ઉપદેશ આપી દિલાસો આપતા હતા. પવિત્ર વેદના શબ્દ કાને જ માત્ર પડે તો તેથી અઘોર પાપ સુકા વાંસની પેઠે બળી જાય, તથા મુક્તિ થાય, એવો ભરોસો આપીને વેદિયા બ્રાહ્મણો તેના મહેલમાં વેદનાં પારાયણ કરતા હતા. શાસ્ત્રી લોકો બ્રહ્મહત્યા સુધીનાં પાપનાં જુદાં જુદાં પ્રાયશ્ચિત્તે બતાવી તે પ્રમાણે રાજા પાસે કરાવી ઘણા પૈસા તેની પાસેથી કઢાવતા હતા. ગોદાન, પ્રાજાપત્ય, આદિ બીજી ઘણી દક્ષિણા બ્રાહ્મણેને મળવા લાગી, એટલું કીધા છતાં પણ રાજાને શાંતિ થઈ નહી તેથી ધીમે ધીમે તેનો વિશ્વાસ શાસ્ત્રના ઉપાયો ઉપરથી ઉઠવા લાગ્યો. તે જોઈને બ્રાહ્મણે ઘણા ગભરાયા, અને આવો વખત જતો રહેશે તો ફરીથી પાછો આવવાનો નથી એમ જાણીને તેઓ ઘણા ચિંતાતુર થયા. તે વખતે થોડાએક વૃદ્ધ બ્રાહ્મણો રાજા પાસે ગયા, અને જે જે ક્ષેત્રો તથા પવિત્ર સ્થળો શાસ્ત્રમાં કહેલાં છે તથા લોકોમાં મનાય છે તે સઘળાંનાં મહાત્મ્ય કહી સંભળાવ્યાં, અને અંતે એવું કહ્યું કે કાશી, ગયા, પ્રયાગ, વગેરે બીજાં ક્ષેત્રો તો ઘણું દુર પડ્યાં, અને ત્યાં આપ જેવા રાજાઓથી જવાય એવું નહીં, તેથી આપણા રાજ્યમાં તથા પાડોસમાં સરસ્વતીને કાંઠે શ્રીસ્થળ (સિદ્ધપુર) ક્ષેત્ર છે તેને મહિમા ઘણો છે, માટે ત્યાં જઈ સરસ્વતીમાં સ્નાન કરવું, અને દેહશુદ્ધ પ્રાયશ્ચિત્ત કરી રૂદ્ર મહકાળેશ્વરનાં દર્શન કરવાં, એટલે દેહનું સાર્થક થશે, તથા મુક્તિનું સાધન મળશે એટલું જ નહી પણ હાલમાં આપના મન વિષે જે ઉકળાટ છે તે શાન્ત થઈને સ્વચ્છ તથા નિર્મળ થશે. થોડીવાર રાજ્યધાનીની બહાર જવાથી રાજ્યને કાંઈ નુકશાન થવાનું નથી. માટે અમારી સલાહ જો માન્ય કરો તો શ્રીસ્થળની યાત્રાએ જાઓ. યાત્રાઓમાં દેવદર્શનથી જે લાભ થાય છે તે એક કોરે મુકીએ તો પણ તેથી મન ઉપર ઘણી સારી અસર થાય છે. જુદી જુદી યાત્રાઓના મહિમા યાત્રાળુ લોકોએ સાંભળ્યા હોય તેથી