પૃષ્ઠ:Karanghelo.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૫૯ )

આવ્યાં કરે; અને તેથી તેને જરા પણ સુખ શાંતી વળે નહીં. એથી ઉલટું તે જો તે જગા છોડીને બીજે ઠેકાણે જાય તે ત્યાંની નવી વસ્તુઓની પ્રતિમા તથા તેઓની સાથેની નવી હકીકતો સ્મરણસ્થાનમાં આવી ભરાય, અને તેમ થતાં નીચે દબાયેલી પ્રતિમાઓને ઉપર આવવાનું કઠણ પડે, તેથી તેઓ કોઈ કોઈ વાર જ નીકળી આવી તેને ઉપદ્રવ કરે. એવી રીતે નવી પ્રતિમાઓનો સંગ્રહ વધારે વધારે થવાથી જુની ઉપર ભાર વધારે થાય, અને તેઓ વધારે દબાતી જાય, અને તેનું પરિણામ એ થાય કે મનને વધારે સુખ તથા શાંતિ થતી જાય, એવો જગા બદલવાને મહાત્મ્ય છે. વળી પ્રાચીન કાળના મહર્ષિઓએ જે જે ક્ષેત્ર તથા યાત્રામાં તીર્થ પસંદ કીધેલાં છે તે રમણિય તથા ચિત્તાકર્ષક સ્થળ જોઈને જ કીધેલાં છે. પ્રાચીન કાળથી પ્રસિદ્ધ થયેલી નદીઓ ઉપર જે જે જગા છે તેઓમાંથી કેટલીએકમાં યાત્રા ભરાય છે. સૃષ્ટિમાં જે સઘળી વસ્તુઓ છે તેમાં નદીએ ઘણી જ ચમત્કારી છે. વરસાદનું પાણી કોઈ ડુંગરના પોલાણમાં એકઠું થઈ તેમાંથી ઉભરાઈને વહે, અને તે ધીમે ધીમે મોટી થઈ આગળ ચાલે, તથા લાખો લોકોના પ્રાણનો આધાર થઈ પડે છે, તે જોવાથી માણસનું મન ઘણું વિસ્મિત થાય છે, નદીથી તેના કાંઠા ઉપરનાં શહેરના લોકોને પાણી પુરું પડે છે, તથા આસપાસનાં ખેતરોમાં પાણી સીંચાય છે એટલું જ નહી, પણ હિંદુ લોકોને અગત્ય કરીને બ્રાહ્મણેને સ્નાનસંધ્યાદિ કર્મો કરવાને તે ઘણી કામની થઈ પડે છે. વળી મોટાં વહાણ ચાલે એવી નદીઓથી વ્યાપારની વૃદ્ધિ થઈ તે ઉપરનાં શહેરોની આબાદીમાં વધારો થાય છે, તથા એક સ્થળની નવાઈની તથા વધારાની જણસો બીજે સ્થળે લઈ જઈ શકાય છે. નદીના જુદા જુદા ઘાટ આગળ ઘણાએક લોકો નહાતા હોય, ઘણીએક સ્ત્રીઓ પાણી ભરતી હોય, કેટલીએક સ્ત્રીઓ લુગડાં ધોતી હોય, કેટલાએક બ્રાહ્મણો સાંજ સવાર સંધ્યાદિ કર્મ કરતા હોય, તે વખતે કાચ જેવા નિર્મળ પાણી ઉપર પવનની લહેરથી નાનાં મોજાં થતાં હોય, સામા કાંઠા ઉપર ઝાડો આવી રહ્યાં હોય, વચમાં હોડીઓ તથા વહાણો ખલાસી સહિત