પૃષ્ઠ:Karanghelo.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૬૧ )

પોતાનો દેહ તથા આત્મા સોંપે, તેની બેહદ સ્તુતિ કરે, તેના ઉપર દૃઢ વિશ્વાસ રાખી ભક્તિમાં વધારો કરે, તથા જે થાય છે તે તેની ઇચ્છાથી જ થાય છે એમ ખાતરી કરી ધૈર્ય તથા શાંતિ મનને વિષે રાખે, એમાં કાંઈ આશ્ચર્ય નથી.” ઘરડા બ્રાહ્મણોએ ઉપર પ્રમાણે યાત્રાનો મહિમા રાજા આગળ કહી સંભળાવ્યો.

ઉપલી સઘળી વાત સાંભળીને કરણના મન ઉપર ઘણી અસર થઈ અને તેણે તે જ વખતે સિદ્ધપુરની જાત્રાએ જવાની તૈયારી કરવાનો હુકમ કીધો. બે ત્રણ દહાડા પછી થોડાંએક માણસ લઈ તથા કાંઈ પણ ધામધુમ કર્યા સિવાય રાજા કરણ સિદ્ધપુર જવાને નીકળ્યો. સિદ્ધપુરમાં ઘણાં શૈવ તથા જૈન દેવસ્થાનો હતાં, તેઓમાં શૈવ દેવસ્થાનો ઉપર ધજા ચઢતી, પણ કેટલાંક વર્ષ થયાં જૈન દેહરાં ઉપર ધજા ચઢાવવાની મના થયેલી હતી તે છતાં પણ જ્યારે મોતીશાને દિલ્હીથી પાછા આવ્યા પછી કારભાર મળ્યો ત્યારે તેની હિમાયત ઉપરથી, તથા તેની છાની ઉશ્કેરણીથી તેઓના ઉપર ધજા ચઢાવવા માંડી. આ જોઈને બ્રાહ્મણોને ઘણો જ ક્રોધ ચડ્યો ને તેઓએ એ બાબત રાજાની આગળ ફરિયાદ કીધી, પણ મોતીશાએ યુક્તિ કરી તેઓનું કાંઈ ચાલવા દીધું નહી, રાજા હવે તેમના ગામમાં આવ્યો, અને તેમનું હવે નક્કી કામ પડશે એવું જોઈ તેઓએ ઠરાવ કીધો કે જ્યાં સુધી રાજા જૈન દેવસ્થાન ઉપરથી ધજા ઉતરાવે નહી ત્યાં સુધી તે સવા લાખ સોનાની મહોર દક્ષિણા આપે તો પણ કોઈ રીતની ક્રિયા તેઓએ તેને કરાવવી નહી. બીજે દહાડે સરસ્વતી નદીમાં સ્નાન કરી દેહશુદ્ધ પ્રાયશ્ચિત્ત કરવાને રાજાનો મનસૂબો હતો, અને તે કારણસર તેણે ગામના મુખ્ય બ્રાહ્મણોને બોલાવ્યા, અને તેઓની આગળ પોતાનો વિચાર કહ્યો, બ્રાહ્મણે એ દૃઢતાથી જવાબ દીધો કે શિવમાર્ગી રાજાના રાજ્યમાં જૈન ધર્મવાળાઓએ પોતાનાં દેવસ્થાનો ઉપર હુકમથી ઉલટા ચાલીને ધજા ચઢાવી છે તે ઉતરાવવાને અમે ફરિયાદ કીધી, પણ તમારા જૈન મંત્રીની સલાહથી તમે અમારી વાત ઉપર ધ્યાન આપ્યું નહી, માટે જ્યાં સુધી અમારી વિનંતિ કબુલ