પૃષ્ઠ:Karanghelo.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૬૨ )

કરવામાં આવશે નહી ત્યાં સુધી અમારામાંથી એક પણ આપને કોઈ જાતની ક્રિયા કરાવશે નહી.

બ્રાહ્મણોનું આવું બોલવું સાંભળીને રાજા ઘણો કોપાયમાન થયો, અને તેણે બ્રાહ્મણોને અપમાન કરી કાઢી મૂકયા. પછી એ સઘળી હકીકત તેણે મોતીશાને કહી, તે વખતે મોતીશાએ જોયું કે હવે લાગ આવ્યો, એમ જાણીને તેણે બ્રાહ્મણો ઉપર જુલમ માંડ્યો, તથા તેઓનાં દેવસ્થાનના અંગના હક્ક ખોટા કરવા તરફ લક્ષ લગાડ્યું. એ જ વખતે તેણે રાજાને જૈન માર્ગમાં લાવવાને ઘણાએક પ્રયત્નો કીધા તથા સઘળે ઠેકાણેથી ઘણા પ્રવીણ જતિઓને બોલાવી મંગાવ્યા. તેઓએ વાદવિવાદ કરી તથા બંને ધર્મને મુકાબલો રાજા આગળ કરી દેખાડી તેને આદિનાથનો ભક્ત કરવાને ઘણો શ્રમ કીધો, પણ રાજામાં ધર્મ સંબંધી જુસ્સો થોડો હતો, તથા તેણે એકતરફી સઘળી વાત સાંભળી હતી, તેથી તેના મન ઉપર કાંઈ અસર થઈ નહીં, જ્યારે જતિઓએ તેનું માથું ઘણું ફોડાવ્યું ત્યારે તેણે બંને પક્ષોના ભણેલા લોકોની સભા કરી વાદવિવાદ કરાવવાનો વિચાર જણાવ્યો, તે તેઓએ કબુલ કીધું. પછી ગામમાંના સઘળા બ્રાહ્મણોને સભામાં આવવાનાં નિમંત્રણ કીધાં, અને મુકરર કીધેલે દહાડે ઘણા બ્રાહ્મણો તથા જતિઓ એકઠા થયા. રાજા એક ઉંચા આસન ઉપર બેઠો. મોતીશા તથા બીજા મોટા કારભારીએ તેની પાસે હારબંધ બેઠા, અને રાજાની સાથેના તથા ગામમાંના બીજા લોકો પાછળ ઉભા રહ્યા. સઘળા બેઠા પછી, બંને પક્ષ વચ્ચે ધર્મ સંબંધી વાદવિવાદ ચાલવા માંડ્યા. શૈવ માર્ગીએાએ જૈનધર્મનું ખંડન કરવા બની શકે તેટલા પ્રયત્નો કર્યા, જતીઓ પણ પોતાનો ધર્મ સાચો છે એમ સિદ્ધ કરવા સૃષ્ટિની ઉત્પત્તિ વગેરે વિષયો ઉપર વિવેચન કરવા લાગ્યા.

તકરાર ઘણી લાંબી ચાલી, અને તેનો પાર જલદીથી આવશે નહી એમ જાણી કરણ રાજા વચ્ચે બેલી ઉઠ્યો:–“ હવે બસ થયું. એ ભાંજગડથી મારું માથું દુખવા આવ્યું. વધારે સાંભળવાની મારી ખુશી નથી, પરમેશ્વરે મને શિવમાર્ગી માબાપને પેટે જન્મ આપ્યો