પૃષ્ઠ:Karanghelo.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૬૪ )

અને જેઠાશા પાસેથી પૈસા અપાવ્યા. વાણિયાએ ઘણી ધામધુમથી લગ્ન કીધાં, ન્યાતમાં ઘણી સારી જમણવાર કીધી, લાહણું પણ કીધું, અને એ પ્રમાણે બે હજાર રૂપિયા ઉડાવી દીધા. રૂપિયા ઉપર તો વ્યાજ ચઢવા લાગ્યું પણ તે વાતની વાણિયાને કાંઈ ચિંતા ન હતી. તેને રૂપિયા પાછા આપવાનો વિચાર જ ન હતો. કેટલેક વર્ષે બે હજારના ચાર હજાર થયા, એટલાથી વધારે રૂપિયા લેવાશે નહીં, એમ જાણીને જેઠાશાએ ફરિયાદ કીધી, અને વાણિયા પાસે તો પૈ મળે નહી, તેથી તેના જામીન ભાટ પાસેથી તે સઘળા પૈસા વસુલ કીધા, હવે તે પૈસા પેલા વાણિયા પાસેથી લેવાના ભાટને રહ્યા. ભાટે રોજ રોજ ઉઘરાણી કીધી, પણ વાણિયો ક્યાંથી આપે ? તેથી તેણે છેલ્લો નાગો જવાબ દીધો. ભાટ લોકો ઘણું કરીને પોતાના લેહેણાની ફરિયાદ સરકારમાં કરતા નથી તેથી, તે ભાટે પણ કીધી નહી; અને કરત તો પણ તે વાણિયા પાસે શું લેવાનું હતું ? તેથી તે તેને બારણે બેઠો, અને ત્રણ દહાડા સુધી પોતે અન્નજળ લીધું નહી, તથા વાણિયાને અપવાસ કરાવ્યો. મોહોલ્લાના લોક ઘણા કાયર થયા અને ભાટ પોતાના ધારા પ્રમાણે તે ઠેકાણે આપઘાત કરશે તો આખો મોહોલ્લો ગોઝારો થશે, એમ જાણી વાણિયાને ઘણો સમજાવ્યો, અને અંતે ટીપ શેહેરમાં ફેરવી ચાર હજાર રૂપિયા એકઠા કરી ભાટને આપવાનું કહ્યું, પણ તે વાણિયો જડ થઈને બેઠો, અને ભૂખ્યો મરી જાઉ પણ એક પૈસો એ ભાટને આપું નહીં, અને મારી તરફથી કોઈને આપવા પણ દઉં નહીં, એવો તેણે નિશ્ચય કીધો. લોકો સઘળા લાચાર થયા, અને ભાટને તેઓએ વાણિયાનો ઠરાવ કહ્યો, તે સાંભળતાં જ ભાટ પોતાની સાથે તેની હેંસી વર્ષની ઘરડી મા લાવ્યો હતો તેનું તલવારના એક ઘાએ માથું ઉડાવી નાંખ્યું, તો પણ વાણિયે હઠ્યો નહી. ત્યારે તે ભાટે ઘણા જુસ્સામાં આવી પોતાના એકના એક બાર વર્ષના છોકરાને બોલાવ્યો, અને તેના પેટમાં કટાર ખોંસી મારી નાંખ્યો, પછી તેનું વેહેતું લોહી ખોબામાં લઈને વાણિયા ઉપર છાંટયું, અને બોલ્યોઃ “અરે ચંડાળ ! આ ભોગ લે, અને જેમ મારો નિર્વંશ ગયો તેમ તારો જજો, તારો