પૃષ્ઠ:Karanghelo.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૬૬ )

પાછા મેહેલમાં લઈ ગયા, જયારે તેને શુદ્ધિ આવી ત્યારે આસપાસ બેઠેલા બ્રાહ્મણોએ ભાટનો શા૫ બાળી નાંખવાને શાસ્ત્રમાંથી કાંઈ પ્રાયશ્ચિત્ત શોધી કાઢી તે કરાવવાનું વચન આપ્યું, રાજાને તે સાંભળીને શાંતિ થઈ, અને તેના મનને દિલાસો મળ્યો. પણ એટલામાં પાટણથી એક દોડતો જાસુસ આવ્યો, તે રાજાના ઓરડામાં ધસી આવી શ્વાસ ખાધા વિના બોલ્યો –“રાજાધિરાજ ! એવી સઘળે ઠેકાણેથી ખબર આવી પહોંચી છે કે તુરકડા લોકો મોટું લશ્કર લઈ રાજ્યની હદ ઉપર આવ્યા છે, અને તેઓનો વિચાર આખું રાજ્ય જીતવાનો છે. તેમની સાથે આપણો માજી પ્રધાન માધવ છે. તેઓએ કેટલાંએક ગામ માર્યા છે, તથા લોકો ત્રાસ પામીને અહીંથી તહીં દોડે છે.” તુરક લોકો ગુજરાત જીતવા આવ્યા તેથી હવે મોટી લડાઈઓ થશે એ વિચારથી જ કરણનું ક્ષત્રીય લોહી ઉકળવા લાગ્યું, અને તે ઘણી હિમ્મત પકડી બોલ્યોઃ– “એ મ્લેચ્છ લોકોને ગુજરાતની ધરતીમાં દટાવું સરજીત હશે તેથી કાળ તેએાને લલચાવીને ઈહાં લાવ્યો હશે. હજી મેં કાંચળી પેહેરી નથી, હજી રજપૂત લોકોએ તેઓનું શુરાતન ખોયું નથી, હજી દેશમાં હિંમતવાન માણસો છે, ગુજરાતના રાજાને લશ્કરી ખેાટ નથી, મજબુત કિલ્લાઓ પણ પુષ્કળ છે, માટે તેઓને આવવા દો, હું તેઓથી જરા પણ બીહીતો નથી, મારા હાથ શત્રુને મારવાને ચવળે છે, તથા મારી તલવારને લોહી મળ્યું નથી તેથી તેને ઘણી તરસ લાગી છે, વાહ ! વાહ ! હવે વખત આવ્યો છે. હું કેવો છું તે રણસંગ્રામમાં આખા જગતને દેખાડી આપીશ, જો એ પ્રમાણે ન બન્યું હોત તો મારૂં નામ આગળ ચાલત નહી. જે થયું છે તે ઠીક છે, સઘળો સામાન તૈયાર કરો, કાલે ઈહાંથી કુચ કરીશ, અને પાટણ જઈને યુદ્ધ કરવાને સઘળો બંદોબસ્ત કરીશ.”