પૃષ્ઠ:Karanghelo.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૬૭ )
પ્રકરણ ૯ મું.

ગુજરાતની સરહદ ઉપર અલાઉદ્દિન ખિલજીનું લશ્કર છાવણી નાંખીને પડ્યું હતું. લશ્કરની સંખ્યા, તથા તેના મુખ્ય સરદારના અધિકાર, જે દેશ જીતવાનો હતો તેના મહત્વને લાયક જ હતા. છાવણીમાં એક લાખ સવાર, પંદરસેં હાથી, વીસ હજાર પાયદળ, તથા પીસતાળીસ મોટા સરદારો હતા. ગુજરાત જો જીતાય તો તેનું રાજ્ય ચલાવવાનું કામ અલફખાં જે પાદશાહનો ભાઈ હતો, અને આ સઘળા લશ્કરનો મુખ્ય સરદાર હતો તેને સોંપેલું હતું. તેના હાથ નીચે સઘળો કારભાર માધવને સોંપવો એવો બંદોબસ્ત કીધેલા હતો, અને પાદશાહનો વજીર નુસરતખાં લશ્કરની સાથે આવેલો હતો, પણ દેશ સર થયો એટલે તેને દિલ્હી પાછા જવાનો હુકમ હતો. છાવણી એક મોટા શેહેર જેવડી હતી, જેટલાં લડનારાં માણસો ઉપર ગણાવ્યાં, તે સિવાય બઈરાં, છોકરાં, દુકાનદાર, ચાકરો તથા બીજાં ઘણાંએક નકામાં માણસો છાવણીમાં રહેતાં હતાં. વળી ઘોડા, હાથી, ઉંટ, વગેરે લડાઈમાં તથા ભાર વહેવામાં ઉપયોગી જાનવરો લાખો હતાં, તેમાં ઘરોને બદલે તંબુ, ડેરા, રાવટી, વગેરે એક ઠેકાણેથી બીજે ઠેકાણે લેઈ જવાય એવી રહેવાની જગા હતી. મોટા સરદારો તથા અમીરોના તંબુઓ કિનખાબના, ઝરીના, તથા બીજાં કિમતી લુગડાંના હતા, અને તેઓ પણ શોભાયમાન દેખાતા હતા, ઠેકાણે ઠેકાણે બજાર ભરાતી, તેમાં માંડવા નાંખી દુકાનદારો જુદી જુદી જાતનો માલ વેચતા હતા, છાવણીમાં હમેશાં લોકોની ભીડાભીડ રહેતી, અને રાતને વખતે રોશનીથી ત્યાં મોટી આગ લાગી હોય એમ દેખાતું હતું, થોડી રાત વહી ગયા પછી સઘળા દીવા ઘેર કરવામાં આવતા, તથા છાવણીની આસપાસ મોટાં મોટાં બળતાં કરી ચોકીદાર લોકો જાગતો પહેરો રાખતા હતા. એવી રીતે અલાઉદ્દીનનું લશ્કર ગુજરાત તથા મેવાડની સરહદ ઉપર પડેલું હતું. છાવણીની