પૃષ્ઠ:Karanghelo.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૬૮ )

વચ્ચોવચ જે ભભકાદાર તંબુઓ હતા તેમાંથી એક ઝરીના મોટા તંબુમાં ત્રણ માણસ ઘણા ઉંડા વિચારમાં બેઠેલા હતા, તેઓ પાટણના રસ્તામાં જે જે ગામ, નદી, વગેરે આવે તે એક કાગળ ઉપર માંડતા હતા, તથા મુખ્ય રાજ્યધાનીના શેહેરમાં કયે રસ્તે જવું, તથા ક્યાં ક્યાં મુકામ કરવો તેની તે નકશા ઉપર તેમણે નિશાની કીધી હતી. માધવે ગુજરાતના મંડળેશ્વર તથા મોટા સામંતોને ફોડવાને ગુપ્ત જાસુસો મોકલ્યા, લોકોની પ્રીતિ રાજા ઉપરથી ઉઠાવીને પોતાની તરફ તેઓને ખેંચી લેવાની ઘણી મહેનત કીધી, તથા મુસલમાન લોકો કરણ રાજાને ગાદી ઉપરથી ઉઠાડી મુકી બીજો નવો રાજા નીમી સઘળો રાજ્યકારભાર મને સોંપશે, અને તેઓ પાછા પોતાને દેશ જશે, ને પછી હું મારા મદદગાર લોકોને ઘણો જ લાભ કરી આપીશ એમ લોકને સમજાવવાને ઘણા પ્રયત્ન કીધા, પણ તે સઘળા નિષ્ફળ ગયા, માત્ર ત્રણસેં ને સાઠ સ્વાર તેને આવી મળ્યા પણ તે ઉપરથી માધવ અથવા અલફખાં બેમાંથી કોઈ નિરાશ થયો નહી. તેઓએ ગુજરાતના લોકોની સહાયતા ઉપર ભરોસો રાખ્યો ન હતો, એટલું જ નહી પણ માધવના કહ્યા છતાં પણ કોઈ મદદ કરશે નહી એમ આગળથી જ ધારીને તેઓએ બોહોળું લશ્કર તથા લડાઈનો સઘળો સામાન સાથે રાખ્યો હતો. ગુજરાત જીતવામાં જુદા જુદા માણસોનો જુદો જુદો સ્વાર્થ હતો, પાદશાહી રાજ્યમાં વધારો થાય, અને પોતાના ભાઈ અલાઉદ્દીનનું રાજ્ય વિસ્તાર પામે, અને તે સઘળું કદાચ કોઈ દહાડો પોતાના હાથમાં આવે એટલો અલફખાંને ફાયદો હતો. નુસરતખાને લાભ એટલો જ હતો કે પોતાની બહાદુરી તથા હોશિયારી વડે ગુજરાત સરખો મોટો ફળવાન પ્રાંત જીતાય તો પાદશાહ ઘણો ખુશ થાય, તેના ઉપર મેહેરબાની વધે, તેની વજીરાતનો પાયો વધારે મજબુત થાય, અને પોતાની કીર્તિ જો દેશમાં ફેલાય તો કોઈ વખત રાજ્યની ઉથલપાથલમાં તેને તખ્ત મળવાનો લાગ આવે, માધવની મુખ્ય મતલબ કરણ રાજા ઉપર વેર લેવાની હતી, અને તેમ કરતા કદાપિ ગુજરાતનું રાજ્ય ઉંધું વળે, ને રાજા પદભ્રષ્ટ થાય, અથવા લડાઈમાં માર્યો જાય, અને તેની પછી