પૃષ્ઠ:Karanghelo.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૭૪ )

ગયા. તે પાટણમાં આવ્યો તે વખતે નિર્દોષ હતો, અને આ વખતે તેના મનમાં કેટલા ઉલટા સુલટા વિચાર હારબન્ધ આવતા, તથા કેવું ભયંકર તોફાન થઈ રહેલું હતું ? જુવાનીનો રમણિક તથા આશાથી ભરપૂર વખત ગયો તે ફરીથી આવવાનો નથી. પાટણમાં થોડી વાર રહ્યા પછી તેની આશા સફળ થતી ગઈ, તે દરજ્જે ચઢતો ગયો, અને છેલ્લી વારે કરણને ગાદીએ બેસાડીને તેનો મંત્રી થયો, એ સઘળું હમણાં જ બન્યું હોય એમ તેને જણાયું. પછી આફતો આવી પડી, પોતાની પદ્મિની જેવી સ્ત્રી રૂપસુન્દરીને રાજા લઈ ગયો; તેનો નાનો ભાઈ કેશવ તે ગડબડાટમાં માર્યો ગયો; તેની ભાભી ગુણસુંદરી સતી થઈ તથા તે પોતે પોતાનો હોદ્દો છોડી એક ચોરની પેઠે સંતાતો રાજ્ય છોડી ઘણાંએક સંકટ ભોગવી દિલ્હીમાં આવ્યો. દિલ્હીમાં જે બનાવ બન્યો તે, તેની પાદશાહ સાથે મુલાકાત, પાદશાહની ગુજરાત જીતવાની કબુલાત, એ સઘળું તેને એકદમ યાદ આવ્યું ત્યારે તેની છાતી ભરાઈ આવી, અને મનમાં એટલે તે ઉકળાટ થઈ આવ્યો કે તે આ વખતે એક નાના છોકરાની પેઠે મોટે અવાજે પુષ્કળ રડ્યો, પોતાના દેશ ઉપર મ્લેચ્છ લોકોને લઈ આવ્યો તેથી તેના મનમાંનું વેર તો તૃપ્ત થયું, પણ તેના અંત:કરણમાં તેના આવા કામથી ઘણો પસ્તાવો થયાં કરતો, તથા ઘણી જ શરમ લાગ્યાં કરતી હતી. જગતના ઇતિહાસ ઉપરથી જણાય છે કે એ પ્રમાણે કરવામાં માધવ કાંઈ એકલો નહતો. અસલના વખતમાં બ્રિટન દેશમાં વારટિજર્ને જર્મનીથી સાકસન લોકોને, અને સ્પેનમાં કાઉંટ જુલિયને આફ્રિકાથી મુસલમાન સરદાર મુસાને પોતાના રાજા ઉપર માધવન જેવા જ કારણને વાસ્તે વેર લેવાને તેડાવ્યા હતા. તે સિવાય સ્ત્રીહરણને લીધે ઘણાએક માણસોએ, રાજાની ખરાબી કરવા, પોતાના દેહને તથા લોકોને પરાયા લોકોને હાથ તાબે થવા દીધા હતા, પોતાની સ્ત્રીના પતિવ્રતાપણાનું અભિમાન એવું જ હોય છે; તે ભંગ કરનાર ઉપર જુસ્સો પણ એવા જ પ્રકારનો હોય છે, તથા વેર પણ માણસના અંતઃકરણ ઉપર એટલા જ જોરથી અમલ ચલાવે છે. એ સઘળા માણસો પોતાનું વેર લીધા પછી પસ્તાય છે, ત્યારે માધવને ઉપર પ્રમાણે પશ્ચાત્તાપ થાય એમાં શું આશ્ચર્ય ? માણસના